નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કોટવાલબડ્ડીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં બે કામદારના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે કેટલાંક લોકો ઘાયલ થવાની આશંકા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો ધડાકો લગભગ 20 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. કહેવાય છે કે વિસ્ફોટના કારણે નજીકના જંગલમાં પણ આગ લાગી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
કામદારોના દટાઈ જવાની આશંકા: નાગપુર પોલીસે વિસ્ફોટમાં બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. ફેક્ટરીમાં વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ કાટોલ, કલમેશ્વર પોલીસની ટીમ પોલીસ અધિક્ષક હર્ષ પોદ્દાર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. જ્યારે કાટમાળ નીચે અનેક કામદારો દટાયા હોવાની આશંકા છે.