કોલકાતા:કોલકાતાની વિશેષ સીબીઆઈ કોર્ટે મંગળવારે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ત્રણને 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તેને મંગળવારે બપોરે અલીપોરમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતી વખતે સંદીપ ઘોષ પર ચંપલ-જૂતાં ફેંકવામાં આવ્યા હતા. જ્યારે ઘોષ કોર્ટ પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે મહિલા વકીલો તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અહી નોંધનીય બાબત એ છે કે, અગાઉ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા ચાર લોકોને વર્ચ્યુઅલ મોડમાં રજૂ કરવાની સીબીઆઈની અરજીને ફગાવી દીધી હતી.
ખાસ વાત એ છે કે, સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે ચારમાંથી કોઈની કસ્ટડી માંગી ન હતી અને કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ આમ કરશે. જેના પર ન્યાયાધીશે જવાબ આપ્યો કે શું તેઓ અગાઉથી નિર્ણય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, ટ્રેઇની ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસમાં શંકાસ્પદ સંજય રોયની છેલ્લી સુનાવણી દરમિયાન, જ્યારે સીબીઆઈના વકીલે કોર્ટને 40 મિનિટ સુધી રાહ જોવડાવી હતી, ત્યારે મેજિસ્ટ્રેટે પૂછ્યું હતું કે શું તેણે કથિત ગુનેગારની જામીન અરજી સ્વીકારવી જોઈએ.
તમને જણાવી દઈએ કે, આ ચારેયની આઠ દિવસની કસ્ટડીનો આજે અંત આવ્યો હતો. સુરક્ષા કારણોને ટાંકીને સીબીઆઈ તેમને વર્ચ્યુઅલ મોડમાં રજૂ કરવા માંગતી હતી, પરંતુ વિશેષ સીબીઆઈ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી અને તેમને શારીરિક રીતે હાજર થવા કહ્યું હતું.