નવી દિલ્હી:ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ફરી એકવાર EVMને લઈને ઉઠેલા સવાલોને ફગાવી દીધા હતા. રાજીવ કુમારે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો પણ જવાબ આપ્યો કે, જો પેજર ફૂટી શકે છે તો ઈવીએમ કેમ હેક ન થઈ શકે.
CEC રાજીવ કુમારે કહ્યુ કે, બંને ડિવાઈસ વચ્ચે તફાવત છે. પેજર કનેક્ટેડ હોય છે, જ્યારે EVM કનેક્ટેડ નથી. તેમણે કહ્યું કે, EVM સાથે કોઈપણ પ્રકારની છેડછાડ શક્ય નથી. તેમણે કહ્યું કે, EVM મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ થાય છે, જે 5 અને 6 મહિના અગાઉ કરવામાં આવે છે. કમિશનિંગ સમયે ઈવીએમમાં બેટરી નાખવામાં આવે છે. મતદાનના 5-6 દિવસ પહેલા ઈવીએમમાં ચૂંટણી ચિહ્નો ફીડ કરવામાં આવે છે. સાથે જ નવી બેટરી પણ નાખવામાં આવી છે. બેટરી પર પોલ એજન્ટની સહી પણ હોય છે.
તેમણે કહ્યું કે, દરેક ઉમેદવારના પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી અમારી છે. ઈવીએમનું કલેક્શન, તેને બહાર કાઢવું, પોલિંગ બૂથ પર લઈ જવું, સીલ કરવું... રાજકીય પક્ષોના એજન્ટો દરેક સમયે હાજર હોય છે. ઈવીએમ દ્વારા મતદાન કરાવવા પર બોલતા સીઈસી રાજીવ કુમારે કહ્યું, "તે સંપૂર્ણપણે સુરક્ષિત અને મજબૂત છે. છેલ્લી 15-20 ચૂંટણીઓ પર નજર નાખો. તે અલગ-અલગ પરિણામો આપી રહ્યા છે. એવું ન હોઈ શકે કે તે ખોટું હોય, જ્યારે પરિણામો તમારા પસંદના ન હોય..."