નવી દિલ્હી: પંજાબના આપાના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના ઘરે EDની ટીમો પહોંચી હતી. જાણવામાં આવી રહ્યું છે કે, આ દરોડા ગુરુગ્રામ અને પંજાબના પરિસરમાં જમીનની છેતરપિંડી સાથે જોડાયેલા મામલામાં પાડવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામમાં પંજાબના 61 વર્ષીય સાંસદના નિવાસસ્થાનની તલાશી લેવામાં આવી રહી છે. આ સિવાય લુધિયાણામાં કેટલાક અન્ય લોકોના ઘરની પણ તલાશી લેવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તે જમીન છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે.
ઉપરાંત ઇડી લુધિયાણાના મોટા ઉદ્યોગપતિઓના સ્થળો પર પણ સતત દરોડા પાડી રહી છે. પરિણામે આજે ઈડીએ લુધિયાણામાં AAPના રાજ્યસભા સભ્ય સંજીવ અરોરાના ઘરે દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પંજાબના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ભારત ભૂષણ આશુના નજીકના હેમંત સૂદના સ્થાનો સામે પણ કાર્યવાહી કરી રહ્યું છે. પરિણામે જલંધરના સરભા નગરમાં હેમંત સૂદના ઘરે સવારથી EDના દરોડા ચાલુ છે. ઘરની બહાર પાર્ક કરાયેલા વાહનોના માલિકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ આવતા-જતા લોકો પર કડક નજર રાખવામાં આવી રહી છે.
સંજીવ અરોરાના ઘર પર EDના દરોડા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી તપાસ નથી. જાણે વડાપ્રધાન કોઈ પક્ષની પાછળ પડ્યા હોય. તેમણે એક પક્ષ અને તેના નેતાઓને ખતમ કરવા માટે પોતાની સમગ્ર તાકાત અને એજન્સીનો ઉપયોગ કર્યો છે. અમે કંઈ ખોટું કર્યું નથી, ભગવાન અમારી સાથે છે તેથી અમે ડરતા નથી.'
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ X પર આ મુદ્દે લખ્યું કે,'આજે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પોપટ મૈનાને મુક્ત કરી દીધા છે. આજે સવારથી EDના અધિકારીઓ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના ઘરે દરોડા પાડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં તેઓએ અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડ્યા, મારા ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા ક્યાંય કશું મળ્યું નહીં.'