તિરુનેલવેલી(તમિલનાડુ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમિલનાડુના તિરુનેલવેલીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે રાજ્યના સત્તા પક્ષ DMK પર આકરા વાકપ્રહારો કર્યા હતા. DMK સરકારે તમિલનાડુમાં ઈસરોના લોન્ચ પેડની જાહેરાતમાં ચીનનો ધ્વજ લગાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, DMKના નેતાઓ દેશની પ્રગતિ અને અંતરિક્ષમાં ભારતની પ્રગતિ જોવા માટે તૈયાર નથી. DMK સરકારે આપણા વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું છે.
ખોટી ક્રેડિટ લેવામાં અગ્રેસરઃ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, DMK લોકવિકાસના કામો કરતી નથી પરંતુ ખોટી ક્રેડિટ લેવામાં આગળ છે. તેઓ અમારી યોજનાઓ પર તેમનું સ્ટિકર ચોંટાડી દે છે. હવે તેઓએ હદ વટાવી દીધી છે. સ્ટાલિન સરકારે ISROનો શ્રેય લેવા માટે ચીનનું સ્ટિકર ચોંટાડ્યું. તમિલનાડુ ડીએમકેના આ નેતાઓ કંઈ જોઈ શકતા નથી અને તેથી તેઓ ભારતની પ્રગતિ જોવા તૈયાર નથી. ભારતની અવકાશની પ્રગતિ જોવા માટે તૈયાર નથી અને તમિલનાડુની જનતા ટેક્સ ચૂકવે છે તે નાણાંથી જાહેરાતો આપી છે. આટલું જ નહિ, આ જાહેરાતમાં અંતરિક્ષ પર ભારતની તસવીર મૂકવામાં આવી ન હતી. ભારતની અવકાશ સફળતાને તામિલનાડુ વિશ્વની સામે જાહેર કરવા માંગતા ન હતા. તેમણે આપણા અંતરિક્ષ કેન્દ્ર અને વૈજ્ઞાનિકોનું અપમાન કર્યુ છે.
તમિલનાડુ અને પ્રભુ શ્રી રામનો સંબંધઃ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રામમંદિરનો ઉલ્લેખ કરીને ડીએમકે સરકાર પર આકરા વાકપ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, દુનિયા જાણે છે કે તમિલનાડુની ધરતીનું ભગવાન શ્રી રામ સાથે શું કનેક્શન છે. અયોધ્યામાં આયોજિત કાર્યક્રમ પહેલા હું તમિલનાડુના રામ સાથે સંકળાયેલ મંદિરોમાં ગયો હતો. ધનુષકોડી પણ ગયો હતો. સદીઓની રાહ બાદ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણથી આખો દેશ ખુશ છે. સંસદમાં આ વિષય પર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન ડીએમકેના તમામ સાંસદો ગૃહ છોડીને ભાગી ગયા હતા. ડીએમકેના આ વર્તને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ તમારા વિશ્વાસની કેટલી નફરત કરે છે.
જાહેરાતમાં ચીનનો ધ્વજઃ ઉલ્લેખનીય છે કે કે ઈસરોના બીજા સ્પેસપોર્ટના શિલાન્યાસ કાર્યક્રમની ડીએમકે સરકાર દ્વારા અખબારોમાં આપવામાં આવેલ જાહેરાતોમાં ચીનનો ધ્વજ જોવા મળ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન સાથે વડાપ્રધાન મોદીનો ફોટો મૂકવામાં આવ્યો હતો. સાથે જ ચીનનો ધ્વજ રોકેટ (અવકાશયાન) પર લગાવવામાં આવ્યો હતો. તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ પણ આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને રાજ્ય સરકારની ટીકા કરી હતી.
- Surat: વડોદરા ડિવિઝનના કીમ, કોસંબા સહિત ચાર રેલવે સ્ટેશનના પુન:વિકાસ માટે વડાપ્રધાને શિલાન્યાસ કર્યો
- Actor Prakash Raj: વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના પ્રકાશ રાજે કર્યા આકરા વાકપ્રહાર