નવી દિલ્હી : ભાજપ નેતા બ્રિજભૂષણ શરણસિંહને દિલ્હી હાઈકોર્ટે કોઈ રાહત આપી નથી. બ્રિજભૂષણ શરણસિંહે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણ કેસમાં તેમની સામે નોંધાયેલી FIR અને ટ્રાયલ કોર્ટના આરોપોને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના પર હાઈકોર્ટે રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેંચે કહ્યું કે, તમે ટ્રાયલ શરૂ થયા બાદ સમગ્ર કેસનો અંત લાવવા માંગો છો. કેસની આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે.
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી :હાઈકોર્ટે કહ્યું કે, જ્યારે ટ્રાયલ શરૂ થઈ ગઈ છે, ત્યારે તમે આરોપ ઘડવાના આદેશને પડકારી રહ્યા છો. તમે આડકતરી રીતે સમગ્ર કેસનો અંત લાવવા માંગો છો. સુનાવણી દરમિયાન બ્રિજભૂષણ શરણસિંહ વતી હાજર રહેલા વકીલ રાજીવ મોહને કહ્યું કે, આ આખો મામલો છુપાયેલા એજન્ડાનો છે. ફરિયાદી નથી ઇચ્છતા કે, અરજદાર ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ પદ પર રહેવું જોઇએ. હાઈકોર્ટે બ્રિજભૂષણ શરણસિંહના વકીલને બે અઠવાડિયામાં લેખિત નોંધ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આરોપીઓએ આરોપ નકાર્યો :આ મામલાની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં 26 જુલાઈથી શરૂ થઈ છે. 21 મેના રોજ બ્રિજભૂષણ શરણસિંહ અને અન્ય સહ આરોપી વિનોદ તોમરે કોર્ટને કહ્યું કે, તેઓ ટ્રાયલનો સામનો કરશે. બંનેએ આ કેસમાં કોર્ટ દ્વારા ઘડવામાં આવેલા આરોપનો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યું હતું કે તેઓએ કોઈ ભૂલ કરી નથી, તેથી તેને સ્વીકારવાનો પ્રશ્ન જ નથી.
બ્રિજભૂષણ વિરુદ્ધ આરોપ ઘડવાનો આદેશ :તમને જણાવી દઈએ કે, 10 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે છમાંથી પાંચ મહિલા કુસ્તીબાજ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર બ્રિજભૂષણ શરણસિંહ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો. જ્યારે બ્રિજભૂષણ શરણસિંહને એક મહિલા કુસ્તીબાજ દ્વારા લગાવવામાં આવેલા આરોપોના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
યૌન શોષણ કેસ :કોર્ટે પાંચ મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354A અને 506 હેઠળ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ મામલામાં સહ-આરોપી અને ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ સચિવ વિનોદ તોમર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 506 હેઠળ આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો.
શું હતો મામલો ?તમને જણાવી દઈએ કે, 7 જુલાઈ, 2023ના રોજ કોર્ટે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લીધુ હતું. 15 જૂન, 2023 ના રોજ દિલ્હી પોલીસે રૂઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354D, 354A અને 506(1) હેઠળ આરોપો મૂકવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે છ પુખ્ત મહિલા કુસ્તીબાજ દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના મામલામાં બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
- બ્રિજભૂષણ શરણસિંહને જાતીય સતામણીના કેસમાં આરોપો નિશ્ચિત કરવાના આદેશ
- બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી પોલીસે ચર્ચા શરૂ કરી