નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવારે રાત્રે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર લગભગ 4 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ EDની ટીમ મોડી રાત્રે તેમને તેમની ઓફિસ લઈ ગઈ હતી. દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા આ 16મી ધરપકડ. ઈડી દ્વારા આજે કેજરીવાલને દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે કેજરીવાલ 28 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. જોકે, ઈડીએ તેમના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતાં. પદ પર રહીને મુખ્યમંત્રીની ધરપકડનો આ પહેલો કિસ્સો છે.
કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાયા:અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કેજરીવાલની ધરપકડ બાદ AAP આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં . તે જ સમયે, ED કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કર્યા અને વધુ પૂછપરછ માટે તેમને કસ્ટડી આપવા વિનંતી કરી હતી. EDએ આ કેસમાં અત્યાર સુધીમાં છ ચાર્જશીટ દાખલ કરી છે અને 128 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કેજરીવાલે આ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા જારી કરાયેલા નવ સમન્સ ટાળ્યા હતા. તેમાંથી ગુરુવારે 21 માર્ચે નવું સમન્સ જારી કરવામાં આવ્યું હતું. તેમણે આ સમન્સને 'ગેરકાયદેસર' ગણાવ્યા છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર AAP નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે, "આ પહેલીવાર છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સીટીંગ સીએમની ધરપકડ કરવામાં આવી છે. દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાષ્ટ્રીય પક્ષના રાષ્ટ્રીય કન્વીનરની ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ એ ભાજપનું રાજકીય કાવતરું છે."