નવી દિલ્હી : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા માટે તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના (CISF) જવાને CPR આપીને એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. CISF ના પ્રવક્તા અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ અપ્રૂવ પાંડેએ જણાવ્યું કે, એક વિદેશી હવાઈયાત્રી IGI એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યારે સુરક્ષા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તે XBS એક્સ-રે મશીન પાસે લાઈનમાં ઊભો હતો. પરંતુ અચાનક તે બેભાન થઈને જમીન પર પડી ગયો.
એરપોર્ટ પર તૈનાત CISF જવાનની નજર પેસેન્જર પર પડી અને જરા પણ સમય બગાડ્યા વિના તેણે તરત જ પેસેન્જરને CPR આપવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ મેદાંતા મેડીકલના તબીબને ફોન કરી તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. જેના પરિણામે થોડા જ સમયમાં મુસાફરની હાલતમાં સુધારો થવા લાગ્યો. બાદમાં સંપૂર્ણ તપાસ પછી ડોક્ટરે તેમને હવાઈ મુસાફરી માટે ફિટ જાહેર કર્યા.