નવી દિલ્હી: મંગળવારે સરકાર દ્વારા સંસદના બજેટ સત્ર પહેલા સર્વ દળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહ, સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશી અને સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલે બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સંસદ ભવનના લાયબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના નેતા કે. સુરેશ, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, ડીએમકેના નેતા ટીઆર બાલુ, શિવસેનાના રાહુલ શેવાલે, સપાના નેતા એસ.ટી. હસન, જદયુના નેતા રામનાથ ઠાકુર અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના જયદેવ ગલ્લાએ ભાગ લીધો હતો.
સંસદના દરેક સત્ર પહેલાં એક બેઠક બોલાવવાની પ્રથા છે. જેમાં વિવિધ પક્ષોના નેતાઓ તેઓ જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માગે છે તેની રજૂઆત કરે છે. સરકાર પણ પોતાના એજન્ડાની ઝાંખી કરાવે છે. સરકાર દરેક પક્ષોને તેમના સહકાર માટે અપીલ કરે છે. આ વખતે 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે સંસદનું બજેટ સત્ર યોજાશે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે.ત્યારબાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે. ચૂંટણી બાદ રચાનાર નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
દેશની અગ્રણી ઉદ્યોગી સંસ્થા ભારતીય ઉદ્યોગ પરિષદ (CII) દ્વારા બજેટ અગાઉ કેટલીક ભલામણોની રજૂઆત કરવામાં આવી હતી. તેમાં ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યોને પૂર્ણ કરવા અને 3 વર્ષનો કાર્યક્રમ નક્કી કરવાની રજૂઆત હતી. GSTમાં પેટ્રોલિયમ, વીજળી અને રિયલ એસ્ટેટનો સમાવેશ કરવાનો, મૂડીખર્ચમાં 20 ટકાનો વધારો કરીને રૂ. 12 લાખ કરોડ કરવા તેમજ ઈન્વેસ્ટમેન્ટ માટે એક સંપૂર્ણ મંત્રાલયની સ્થાપના કરવી વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
- Budget 2024-25 : કેન્દ્ર અને રાજ્ય સરકારના અંજાદપત્રથી જૂનાગઢના વેપારીઓ-ઉદ્યોગપતિઓની શું છે આશા-અપેક્ષા ?
- SMC Draft Budget : સુરતના ઇતિહાસમાં પ્રથમવાર 8,718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જાણો સંપૂર્ણ વિગત