મુંબઈ :મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મતદાનના દિવસે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ભૂતપૂર્વ IPS અધિકારી રવિન્દ્રનાથ પાટીલે NCP (શરદ પવાર) નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલે પર બિટકોઈન કૌભાંડની આવકનો ચૂંટણીમાં ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપ રાજકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે.
શું છે મામલો?ભૂતપૂર્વ IPS અધિકારી રવિન્દ્રનાથ પાટીલે મંગળવારના રોજ બારામતીના સાંસદ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, બંને નેતાઓએ 2018ના ક્રિપ્ટોકરન્સી ફ્રોડ કેસમાંથી બિટકોઈનનો દુરુપયોગ કર્યો અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેનો ઉપયોગ કર્યો હતો.
બિટકોઈન કૌભાંડ : પાટીલના આરોપ પછી તરત જ ભાજપે તક ઝડપી લીધી અને કથિત વોઇસ નોટ બહાર પાડી હતી. જેમાં તેમણે દાવો કર્યો છે કે, સુપ્રિયા સુલે અને નાના પટોલે ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા બિટકોઈન પર રોકડ કરવાના કાવતરામાં સામેલ છે.
સુપ્રિયા સુલે vs અજિત પવાર :આ દરમિયાન વિવાદને હવા આપતા સુપ્રિયા સુલેના પિતરાઈ ભાઈ અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે દાવો કર્યો હતો કે, રવિન્દ્ર પાટીલ દ્વારા પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલી કથિત ઓડિયો ક્લિપમાં તેમણે સુપ્રિયા સુલેના અવાજને ઓળખ્યો છે. અજિત પવારે પણ આ મામલે સંપૂર્ણ તપાસનું વચન આપ્યું હતું.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન અજિત પવારે કહ્યું, "હું ઓડિયો ક્લિપમાંના સ્વરમાંથી અવાજો ઓળખી શકું છું. તેમાંથી એક મારી બહેનનો અને બીજો અવાજ એવી વ્યક્તિનો છે જેની સાથે મેં ઘણું કામ કર્યું છે. તેની તપાસ કરવામાં આવશે અને સત્ય બહાર આવશે."
સુપ્રિયા સુલેએ આરોપોને નકારી કાઢ્યા :સુપ્રિયા સુલેએ આ આરોપોને ફગાવી દીધા હતા. ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "મેં માનહાનિનો કેસ અને ફોજદારી કેસ દાખલ કર્યો છે. આ આરોપો સંપૂર્ણપણે ખોટા અને બનાવટી છે. હું ભાજપના કોઈપણ પ્રતિનિધિ સાથે તેમની પસંદગીના સમયે અને તારીખે સાર્વજનિક મંચ પર ચર્ચા કરવા તૈયાર છું."
અજિત પવારની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સુપ્રિયા સુલેએ તેમના દાવાઓને ફગાવી દીધા અને કહ્યું, "તેઓ અજિત પવાર છે, તેઓ કંઈ પણ કહી શકે છે."આ દરમિયાન સુલે અને તેમના પરિવારે બારામતીના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો.
સુધાંશુ ત્રિવેદીએ માંગ્યો જવાબ :આ મામલે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો કે, આ ઘટનાક્રમથી વિપક્ષ મહા વિકાસ અઘાડીનો (MVA) પર્દાફાશ થયો છે. તેમણે કોંગ્રેસ અને સુલે પાસેથી જવાબ પણ માંગ્યો છે. જોકે સુલેએ કહ્યું કે, ચૂંટણીની આગલી રાતે મતદારોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી ફેલાવવાની આ યુક્તિઓ છે.
સુપ્રિયા સુલેએ કરી ફરિયાદ :સુપ્રિયા સુલેએ બિટકોઈનના દુરુપયોગના ખોટા આરોપો સામે ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ વિભાગને ફરિયાદ પણ મોકલી હતી. તેમની ફરિયાદ પાટીલ અને ગૌરવ મહેતા પર છે, જેઓ 2018ના કેસમાં સાક્ષી હતા.
સુધાંશુ ત્રિવેદી સામે માનહાની નોટિસ :સુપ્રિયા સુલેએ કહ્યું કે, તેમના વકીલ સુધાંશુ ત્રિવેદી સામે ફોજદારી અને નાગરિક બદનક્ષીની નોટિસ જારી કરશે. શ્રી સુધાંશુ ત્રિવેદી દ્વારા આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવે તે ચોંકાવનારું છે, છતાં નવાઈની વાત નથી. કારણ કે ચૂંટણીની આગલી રાત્રે ખોટી માહિતી ફેલાવવાનો આ સ્પષ્ટ કિસ્સો છે.
- રાહુલ ગાંધીનો વિનોદ તાવડેના બહાને PM નરેન્દ્ર મોદીને સવાલ
- મહારાષ્ટ્ર ચૂંટણી: વિરારમાં હંગામો, BJP પર પૈસા વહેંચવાનો આરોપ