મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે રવિવારે મહારાષ્ટ્રના અકોલામાંથી એક આરોપીની ધરપકડ કરી હતી, જે ગુજરાતનો રહેવાસી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આણંદનો મૂળ વતનીઃ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના આણંદ જિલ્લાનો રહેવાસી સલમાન ઈકબાલભાઈ વોહરાની સ્થાનિક પોલીસની મદદથી અકોલાના બાલાપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
66 વર્ષીય NCP નેતા બાબા સિદ્દીકીની ગયા મહિને 12 ઓક્ટોબરે બાંદ્રા પૂર્વના નિર્મલ નગર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસે ગયા હતા.
અધિકારીએ જણાવ્યું કે વોહરાએ આ વર્ષે મે મહિનામાં બેંક ખાતું ખોલાવ્યું હતું અને ધરપકડ કરાયેલા આરોપી ગુરમેલ સિંહ, રૂપેશ મોહોલ અને હરીશ કુમારના ભાઈ નરેશ કુમાર સિંહને પૈસા આપ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેણે હત્યામાં સામેલ અન્ય લોકોને પણ મદદ કરી હતી.
શૂટર શિવકુમારની બહરાઈચમાંથી ધરપકડ
હરિયાણાના ગુરમેલ સિંહ અને ઉત્તર પ્રદેશના ધરમરાજ કશ્યપની પોલીસે હત્યા બાદ તરત જ સ્થળ પરથી ધરપકડ કરી હતી. તાજેતરમાં, પોલીસને આ કેસમાં મોટી સફળતા મળી જ્યારે તેઓએ ઉત્તર પ્રદેશના બહરાઇચમાંથી કથિત મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, ગૌતમ 12 ઓક્ટોબરથી ફરાર હતો અને નેપાળ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે દરમિયાન તે પકડાઈ ગયો.
- પાટણઃ સિનિયર્સના રેગિંગને પગલે MBBS સ્ટુડન્ટનું મોત, કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂ કરી
- જામનગરના ધ્રોલ પંથકમાં થયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત