ગુવાહાટી:આસામ એસેમ્બલીના ચાલુ સત્રના અંતિમ દિવસે શુક્રવારે પ્રાર્થના માટે વિરામનો બ્રિટિશ સમયનો નિયમ નાબૂદ કરવામાં આવ્યો હતો. અંગ્રેજોના સમયથી ચાલી આવતી પરંપરાને ગૃહમાં સર્વાનુમતે નાબૂદ કરવામાં આવી હતી.
હવેથી, રાજ્ય વિધાનસભાના સત્ર દરમિયાન શુક્રવારની નમાઝ અદા કરવા માટે બે કલાકની રજા રહેશે નહીં. આ કારણે શુક્રવારે ગૃહની કાર્યવાહી અન્ય દિવસની જેમ ચાલશે અને મુસ્લિમ સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓને નમાઝ અદા કરવા માટે કોઈ રજા આપવામાં આવશે નહીં. આ નિયમ વિધાનસભાના આગામી સત્રથી લાગુ થશે.
આ નિર્ણય વિશે માહિતી આપતાં ધારાસભ્ય વિશ્વજીત ફુકને જણાવ્યું હતું કે, 'સૈયદ સાદુલ્લાહ (બ્રિટિશ ભારતના શાસન દરમિયાન આસામ પ્રાંતના પ્રથમ વડા પ્રધાન)ના સમયથી અમલમાં આવેલ નિયમને આજે ગૃહમાં ખતમ કરી દેવામાં આવ્યો હતો.' આ નિયમ વિધાનસભાના આગામી સત્રથી અમલમાં આવશે. આ મુદ્દો ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે ગૃહમાં ઉઠાવ્યો હતો. આપને જણાવી દઈએ કે શુક્રવારની નમાઝ માટે સવારે 11.30 વાગે વિધાનસભા સત્રને રોકવાની પ્રથા અંગ્રેજોના શાસનકાળથી અમલમાં હતી.
ફુકને કહ્યું, 'દેશના કોઈપણ રાજ્યમાં આવી કોઈ વ્યવસ્થા નથી. આખરે, આસામ એસેમ્બલીએ પણ સૈયદ સાદુલાના સમયથી ચાલતી આ પ્રણાલીને નાબૂદ કરી દીધી. તેમણે કહ્યું કે આ મોટો નિર્ણય ગૃહમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ માટે હું વિધાનસભા અધ્યક્ષનો આભાર માનું છું. એસેમ્બલીના નિયમોના નિયમ 11માં સુધારો કરીને નમાઝ માટેનો વિરામ નાબૂદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય સામે કોઈએ વાંધો વ્યક્ત કર્યો નથી. બ્રિટિશ શાસનના સમયથી, આસામ વિધાનસભાના સત્ર દરમિયાન મુસ્લિમ ધારાસભ્યોને શુક્રવારની નમાજ અદા કરવા માટે રજા આપવાની પરંપરા છે. આજે આ નિયમને નાબૂદ કરવાનો નિર્ણય ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આગામી સત્રથી તેનો અમલ કરવામાં આવશે.