આગ્રા:જિલ્લાના બરહાન પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા છબિલા ગામ પાસે ગુરુવારે રાત્રે દિલ્હી-હાવડા રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં બે સગી બહેનોના મોત થયા હતા. જ્યારે ત્રીજી બહેન ગુમ છે, જેના વિષે કોઈ માહિતી હાથે લાગી નથી. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને રેલવે ટ્રેક પરથી એક મોબાઈલ મળ્યો છે. ઉપરાંત પોલીસ ત્રીજી યુવતી વિશે માહિતી એકત્ર કરી રહી છે.
બરહાન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજીવ રાઘવે જણાવતા કહ્યું કે,"દિલ્હી-હાવડા રેલવે ટ્રેક પર નાગલા છબિલા નજીક કિલોમીટર નંબર 1265 પર ગુરુવારે રાત્રે અરુણાચલ સુપરફાસ્ટ ટ્રેનની ટક્કરથી બે છોકરીઓના મોત થઈ ગયા હતા. જ્યારે સ્થાનિક લોકોએ ટ્રેક પર મૃતદેહો જોયા તો તેમણે પોલીસને જાણ કરી. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મૃતદેહોની ઓળખ ગોહિલા ગામના રહેવાસી મહેશ વાલ્મિકીની પુત્રી કિરણ (22) અને સરિતા (20) તરીકે થઈ હતી. જ્યારે ત્રીજી બહેનની શોધખોળ ચાલુ છે."
પોલીસ શોધખોળ અને તપાસમાં વ્યસ્ત:ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો. પરિવારે પોલીસને જણાવ્યું કે, ત્રણય બહેનો કિરણ, સરિતા અને શિવાની (18) ભાગવત કથા સાંભળવા માટે સાથે નીકળ્યા હતા. આ દરમિયાન તે કેવી રીતે ટ્રેનની અડફેટે આવી તેની હજી કોઈ માહિતી મળી નથી. તેથી આ સંપૂર્ણ અકસ્માત કેવી રીતે થયો? કેવી રીતે યુવતીઓ ટ્રેનની અડફેટે આવી? પોલીસ તેની શોધખોળ અને તપાસમાં વ્યસ્ત થઇ ગઈ છે.