ઓડિશા : ભારતે શુક્રવારે ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી અગ્નિ IV મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ માહિતી આપતા સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોના આધારે પ્રક્ષેપણ સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું.
અગ્નિ-4 નું પરીક્ષણ સફળ :આ સંદર્ભમાં સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે કહ્યું કે, તે એક નિયમિત તાલીમ લોન્ચ હતી. આમાં તમામ ઓપરેશનલ પરિમાણોને ફરીથી તપાસવામાં આવ્યા છે. અગ્નિ મિસાઈલ શ્રેણીની આ ચોથી ખતરનાક બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલ વિશ્વની તેની રેન્જની અન્ય મિસાઈલો કરતાં હળવી છે.
પરમાણુ શસ્ત્રોની ક્ષમતા : નોંધનીય છે કે, અગ્નિ-4 મિસાઈલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. તેનું વજન 17 હજાર કિલોગ્રામ છે અને તેની લંબાઈ 66 ફૂટ છે. એટલું જ નહીં આ મિસાઈલ સાથે ત્રણ પ્રકારના હથિયાર લઈ જઈ શકાય છે. આમાં પરંપરાગત ઉપરાંત થર્મોબેરિક અને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો સમાવેશ થાય છે.
4000 કિમી રેન્જ :આ સિવાય અગ્નિ-4ની રેન્જ 3500 થી 4000 કિલોમીટર છે. ઉપરાંત, તે 900 કિલોમીટરની ઊંચાઈ સુધી સીધું ઉડવા માટે સક્ષમ છે. આ મિસાઈલ હુમલા સમયે 100 મીટરની રેન્જમાં આવતી તમામ વસ્તુઓનો નાશ કરે છે.
ઓડિશામાં પરીક્ષણ :તમને જણાવી દઈએ કે, આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર સ્થિત એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર કરવામાં આવ્યું હતું. અગાઉ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) 6 જૂન, 2022ના રોજ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4 નું સફળ પરીક્ષણ કર્યું હતું.
- ભારતે સ્વદેશી ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, સુખોઈ દ્વારા નજર રાખી
- ઊંડા સમુદ્રમાં સંશોધન માટે ભારતે બનાવ્યું 'મત્સ્ય' 6000, જાણો તેની વિશેષતા