મુંબઈ: મહારાષ્ટ્રની મુંબઈ ટ્રાફિક પોલીસે માહિતી આપી છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ દ્વારા ટ્રાફિક પોલીસને મોકલવામાં આવેલી આ ધમકીમાં આદિત્યનાથને 10 દિવસમાં પોતાના પદ પરથી રાજીનામું આપવા અથવા ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની માંગ કરવામાં આવી છે.
સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો યોગી આદિત્યનાથ આવું નહીં કરે તો તેમને બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં બાંદ્રામાં પૂર્વ મંત્રી અને NCP (અજિત પવાર) નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ધમકી મળ્યા પછી, મુંબઈની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ ઉલ્હાસનગર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને આ કેસમાં એક મહિલાની ધરપકડ કરી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રની મુલાકાત લઈ શકે છે
દરમિયાન, એવા સમાચાર છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્રની મુલાકાત લઈ શકે છે.