સુરતમાં વાલીઓ ફી વધારા મુદ્દે આક્રમક મૂડ સાથે ધરણા પર - રોષ
🎬 Watch Now: Feature Video
સુરત: જિલ્લામાં ખાનગી શાળાઓ દ્વારા ટર્મ ફી, એડમિશન ફી અને એફઆરસીના ઓર્ડરથી વધુ લેવામાં આવેલી ફી મુદ્દે વાલીઓ ફરી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. વાલીઓ રજુઆત લઈ સુરતના મજુરાગેટ સ્થિત એફઆરસી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ માથે કાળી પટ્ટી બાંધી એફઆરસીની કામગીરી સામે પણ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ગેરવ્યાજબી રીતે લેવામાં આવેલી ફી પરત આપવાની માગ સાથે એફઆરસી કમિટી કચેરી બહાર વાલીઓ ધરણા પર બેઠા હતાં. એડમિશન, ટર્મ ફી અને એફઆરસીના ફાઇનલ ઓર્ડરથી વધુ લેવામાં આવેલી ફી સામે વાલીઓએ ધરણા યોજી દેખાવ કર્યા હતા. એફઆરસીના ઉલંધન બદલ શાળાઓ પાસેથી પેનલ્ટી વસુલવામાં આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. હિયરિંગના સમયે વાલીઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે અને વાલીઓની જાણ બાદ ફી વધારો કરવાની માગ કરી હતી. આ સાથે ટર્મ ફી વર્ષ 2017-18 અને વર્ષ 2018-2019માં સમાવિષ્ટ ફાઇનલ ઓર્ડરની લિસ્ટ પ્રેસ મીડિયા મારફતે બહાર પાડવાની માગ પણ કરી હતી. અને જણાવ્યું હતુ કે જ્યાં સુધી રજુઆતો અંગે ઉકેલ નહીં આવે ત્યાં સુધી કચેરી બહાર જ ધરણા પર બેસી રહેશે.