દમણમાં રાષ્ટ્રપતિના સ્વાગત માટે બનાવેલા રસ્તા પર ઉભરાઈ છે ગટરનું ગંદુ પાણી - ઇટીવી ભારત ગુજરાત
🎬 Watch Now: Feature Video
દમણ: દમણમાં રાષ્ટ્રપતિના સ્વાગતમાં તંત્રએ યોગ્ય સંકલન સાધ્યા વગર જ પોતાની રીતે કરેલી કામગીરી હવે, દમણવાસીઓ માટે નવી મુસીબત લઈને આવી છે. દમણમાં DMC અને PWD વિભાગ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે દમણની પ્રજાને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવુ પડી રહ્યું છે. ત્યારે, આ સમસ્યા અંગે ખુદ દમણ જિલ્લા ભાજપ પ્રમુખે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. આ માર્ગની નજીકથી આખા દમણને જોડતી ડ્રેનેજ લાઈન પસાર થતી હતી. PWD વિભાગે પહેલા તો આ ડ્રેનેજ લાઈન પર સ્લેબ ભરી દીધો હતો. પછી PWDના કોન્ટ્રાક્ટરને કંઇક અવળું સુજતા તેણે સ્લેબ ભરેલી ડ્રેનેજ લઈનને બંધ કરીને તેમાં કોન્ક્રીટ ભરી દીધી હતી, જેથી દમણના વિવિધ વિસ્તારોને જોડતી આખી ગટર લાઈન બીબ્લોસ માર્કેટ નજીક ઉભરાઈ રહી છે. જેનું ગંદુ પાણી માર્ગ પર ફળી વળતા છેલ્લા ચાર દિવસથી માર્ગ પર ઉભરાતી આ ગટરને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દમણના અતિવ્યસ્ત એવા આ મુખ્ય માર્ગ પર આ ગંદુ પાણી બહાર નીકળે છે. જેના કારણે શહેરીજનોમાં તંત્રના અધિકારીઓ વિરુદ્ધ ભારે નારાજગી અને આક્રોશ ફેલાયો છે. ત્યારે સંબંધિત વિભાગ આ ઉભરાતી ડ્રેનેજ લાઇનનું બ્લોકેજ હટાવીને અહીંથી ગંદા પાણીનો નિકાલ કરે એવી માંગ જાહેર જનતામાં ઉઠવા પામી છે.