Rahul Gandhi:સુરતમાં મુંબઇ રાજસ્થાનના કોંગ્રેસ કાર્યકરોનું કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન
🎬 Watch Now: Feature Video
સુરત: રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાંથી કોંગી કાર્યકરો અને સેવા દળના કાર્યકરો સુરત પહોંચી ગયા છે. તેઓ સુરત કોર્ટની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં મુંબઇ અને રાજસ્થાનથી પહોંચેલા કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ભાજપ સરકારને તાનાશાહ સરકાર ગણાવી હતી. મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં સુરત પહોંચી હતી. રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને કરવામાં આવેલી ટિપ્પણી મામલે સુરતની નીચલી અદાલતે દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે. તેને તાત્કાલિક જામીન પર છુટકારો થયા બાદ આજે તેઓ સુરત સેશન્સ કોર્ટમાં સજાને પડકારવા માટે અરજી કરનાર છે. સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે 23 માર્ચે રાહુલને 'મોદી અટક' વિશે કરેલી ટિપ્પણીના સંબંધમાં દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના દાવામાં દોષી ઠેરવ્યો હતો. તેને બે વર્ષની જેલ અને 15,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. કોર્ટે તેમને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ લોકસભા સચિવાલયે તેમને સંસદના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા.સુરતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ આજે હાજર રહેશે. કોંગ્રેસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, મેટ્રોપોલિટન કોર્ટના આદેશને પડકારતી અરજી કરવા માટે રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં હાજર રહેશે. 24 માર્ચે રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવતા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. લોકસભાની સદસ્યતામાંથી ગેરલાયક ઠર્યા પછી, રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. જ્યાં સુધી ઉચ્ચ અદાલત તેમની સજા અને સજા પર સ્ટે ન મૂકે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની ટિપ્પણીને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' તો બીજી બાજુ કોંગ્રેસ પણ પ્રહાર કરી રહી છે કે ભારતમાં લોકશાહીની હત્યા થઇ રહી છે. ભારતમાં હવે ચોરને ચોર કહેવું ગુનો થઇ ગયો છે.