MUHARRAM 2023: પાટણમાં તાજીયાનું ઝુલુસ નીકળ્યું, સર્જાયો કોમી એકતાનો માહોલ - undefined
🎬 Watch Now: Feature Video
પાટણ: હજરત ઈમામ હુસેનની યાદમાં પાટણ શહેર સહિત જિલ્લામાંથી કોમી એકતાના વાતાવરણમાં ઝુલુસ નીકળ્યા હતા. પાટણ શહેરમાં 10 તાજીયા અને મન્નત સહિતના 50 થી વધુ ઘોડા સાથેનું ઝુલુસ હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં પરંપરાગત રૂટ ઉપર ફર્યું હતું. ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હજરત મોહમ્મદ મુસ્તફાના નવાસા અને હઝરત મૌલા અલીના પુત્ર હજરત ઈમામ હુસેને માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્ય કાજે કરબલાના મેદાનમાં પરિવાર અને 72 જાનિસાર સાથીઓ સાથે અરબ કબીલાના ખલીફા યજીદ સાથે સમાધાન કરવાને બદલે શહીદી વોહરી હતી. જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. કંસાડા દરવાજા ખાતે ગાયકવાડી શાસનના હુસેની ટ્રસ્ટ સંચાલિત સરકારી તાજીયાનું વહીવટી તંત્ર અને હિન્દૂ સમાજના આગેવાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
અખાડાના યુવાનો દ્વારા કરતબો: તાજીયા જુલુસમા ઈકબાલ ચોક અને કાજીવાડા સહિત વિવિધ મહોલ્લાઓના અખાડિયન યુવાનોએ તલવારબાજી, ખંજર,પટ્ટા, લાઠીદાવ સહિતના કરતબો કર્યા હતા. તો ઈમાન હુસેનની યાદમાં ડીજે ઉપર બજાવાતી મનકબતોએ વાતાવરણને હુસેની રંગમાં રંગ્યું હતું. જુલુસના માર્ગો ઉપર ઠેર ઠેર શરબત, કોલ્ડ્રીંક્સ અને પાણીની છબીલો બનાવી ન્યાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા રસ્તા ઉપર પુષ્પો વેરવામાં આવ્યા હતા.