Navratri 2023: અમદાવાદની પોળોમાં આજે પણ શેરી-ગરબાની વર્ષોની પરંપરા અકબંધ, ક્લબ અને પાર્ટી પ્લોટના ગરબાને બદલે પોળોમાં રમવાનું પસંદ કરતા યુવાઓ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: વર્ષોથી અમદાવાદની પોળોમાં રમાતા પારંપરિક શેરી ગરબાને 21મી સદીમાં પણ યુવાઓએ ઘબકતા રાખ્યાં છે. પોળ કહો કે ખાંચો તેના ચોકમાં પરંપરાગત રીતે આરતી, સ્તુતિ અને ગરબાની ત્રેવીણીથી થતા ગરબામાં ભક્તિનું તત્વ સવિશેષ હોય છે. પોળના વડીલો પણ શેરી ગરબાને પ્રોત્સાહન આપીને વર્ષોથી ચાલી આવતા પ્રાચીન ગરબાની આ પરંપરાને જીવંત રાખીને પોળના ચોકને ચાચરના ચોકમાં રૂપાંતરિત કરે છે. અમદાવાદની પોળોમાં ઓછી અને સાંકળી જગ્યા હોવા છતાં શેરી ગરબા પરંપરાગત રીતે યોજાય છે. હાલ શેરી ગરબાનું નર્તન સ્વરૂપ પરંપરાગત રહ્યું છે, જેમાં બે-તાળી, ત્રણ-તાળી, હીંચ કે રાસ ગરબા તરીકે ખેલૈયાઓ રમે છે. હાલના આધુનિક સમયમાં માઇક પર રેકોર્ડેડ ગરબા મૂકીને ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે. પોળ બહારના વિસ્તારોમાં વસવાટ કરવા ગયેલા પોળવાસીઓ પણ નવરાત્રીના પર્વે તો ક્લબ કે પાર્ટી પ્લોટમાં જવાના બદલે શેરી ગરબામાં રમવાનું વધુ પસંદ કરે છે. ત્યારે અમદાવાદની ગુણવંત ચોકની પોળમાં પણ પારંપરિક શેરી ગરબાનો ઉલ્લાસ અને ઉંમગ જોવા મળી રહ્યો છે.