700 કરોડનું પેકેજ માત્ર કોણીએ ગોળઃ પાલ આંબલીયા
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ કોંગ્રેસ દ્વારા ખેડુતોને વિમા સહાય તેમજ વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કરાયા હતાં, તેમજ કોંગ્રેસ નેતા હાર્દીક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન પણ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ મુખ્યપ્રધાન નિતીન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી રાજ્યના ખેડુતોને 700 કરોડનું પેકેજ જાહેર કરી દેવાયું હતું. સરકાર દ્વારા સહાય જાહેર કરાયા બાદ કોંગ્રેસી નેતાઓ દ્વારા નિવેદનોનો રાફડો ફાટ્યો હોય તેમ પ્રતિક્રિયા આપી હતી. જેમા હાર્દીક પટેલે કહ્યું કે અત્યાર સુધી તો સરકાર કહેતી હતી કે ખેડુતોને નુકસાન નથી થયું પરંતુ, હવે જ્યારે સરકારે ખેડુતોને સહાય જાહેર કરી છે તેનો મતલબ છે કે ખેડુતોને નુકસાન થયું છે. તાત્કાલીક સંપૂર્ણ પાક વિમો આપે તેવી સરકારને વિનંતી. જો ખેડુતોની આત્મહત્યાની સંખ્યા વધશે તો તેના માટે ગુજરાત સરકાર અને વિજય રૂપાણી જવાબદાર રહેશે. આ મામલે પાલભાઈ આંબલીયા એ કહ્યું કે, 700 કરોડનું પેકેજ એટલે કે ખેડુતોને નુકસાન થયું છે તે વાત સરકારે સ્વીકારી છે. અને 700 કરોડનું પેકેજ માત્ર કોણીએ ગોળ છે. આ વાતને લઈને કોંગ્રેસ આંદોલન કરે છે અને તેના કારણે સરકારને તાત્કાલીક પેકેજની જાહેરાત કરવી પડી છે. સરકાર ખેડુતોમાં ભાગ પડાવો અને રાજ કરોની નીતી અપનાવે છે. જ્યારે આ મામલે લલિત કગથરાએ કહ્યું કે પહેલા નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલી લોલીપોપ જેવી જ ફરી આજે ગુજરાત સરકાર દ્વારા લોલીપોપ આપવામાં આવી છે. ખેડુતો પોતાનો હક માગે છે ભીખ નહીં, 100 ટકા વિમો મળે ખેડુતોને તેવી અમારી માંગણી છે અને આ મામલે વિધાનસભાના સ્પેશિયલ સત્રમાં પણ સવાલો ઉઠાવીશું.