સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેતા વિશ્વમાં થોડા ઊંડા ઊતરીએ, તો આરોગ્યપ્રદ ભોજનની યાદીમાં તાજેતરના સમયગાળામાં એક નવું નામ ઉમેરાયું છે, તે છે – “ઘઉંના જવારા”. ઘઉંના જવારા એટલે ઘઉંના છોડનાં તાજાં પાંદડાં. આ પાંદડાં પૂરેપૂરાં વિકસે, તે પહેલાં જ તેને કાપી લેવામાં આવે છે. તેનું બોટેનિકલ નામ ટ્રિટિસમ એસ્ટિવમ છે. મોટાભાગે ઘઉંના જવારાનો રસ નિકાળીને તેનું સેવન કરવામાં આવે છે, જોકે તે પાઉડર સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. હૈદરાબાદની એએમડી આયુર્વેદિક મેડિકલ કોલેજનાં પ્રોફેસર અને આયુર્વેદ એમડી ડો. રાજ્યલક્ષ્મી માધવમે જણાવ્યા પ્રમાણે, “ઘઉંના જવારામાં વિટામિન-એ, બી, સી અને ઇ તથા સોડિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને સિલેનિયમ જેવાં ખનીજ તત્વો ભરપૂર માત્રામાં હોવાથી તે ખૂબ લોકપ્રિય થયા છે. આમ, તે તંદુરસ્ત આહાર ગણાય છે અને તેના ઘણા ફાયદા રહેલા છે.”
ઘઉંના જવારાના ફાયદા
ડો. રાજ્યલક્ષ્મીએ દર્શાવેલા ઘઉંના જવારાના કેટલાક ફાયદા આ પ્રમાણે છેઃ
1.એનેમિયા (પાંડુરોગ, રક્તક્ષીણતા)
ઘઉંના જવારામાં ક્લોરોફિલ ઘણી ઊંચી માત્રામાં હોય છે, આથી જ, તેનો રસ ‘લીલું લોહી’ કહેવાય છે. ક્લોરોફિલ, જે રક્તક્ષીણતાને દૂર કરવા માટે ઘણું ઉપયોગી ગણાય છે. તે આપણા શરીરના જુદા-જુદા ભાગોમાં ઓક્સિજનનું વહન કરવાની ક્ષમતામાં સુધારો કરે છે.
2.એન્ટિઓક્સિડન્ટ
તે એન્ટિઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્રોત છે. આપણા શરીરને ફ્રી રેડિકલ્સ સામે લડવા માટે એન્ટિ-ઓક્સિડન્ટ્સની જરૂર પડે છે. રેડિકલ્સ આપણા શરીરના કોશોને નુકસાન પહોંચાડી શકે છે. આથી, ઘઉંના જવારા ફ્રી રેડિકલ્સ સામે લડવામાં તથા અને ઝેરી તત્વોનો નાશ કરવામાં મદદરૂપ બને છે.
3.એન્ટિ-ઇન્ફ્લેમેટરી
આપણા શરીરને ઇજા કે ઇન્ફેક્શન સામે રક્ષણ પૂરું પાડવા માટે આપણી રોગપ્રતિકારક વ્યવસ્થા ઇન્ફ્લેમેશનના સ્વરૂપમાં પ્રતિક્રિયા કરે છે. સોજો, રતાશપણું અથવા દુખાવો તેનાં ચિહ્નો હોઇ શકે છે. ઘઉંના જવારામાં ક્લોરોફિલની ઊંચી માત્રા રહેલી હોવાથી તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વો વિપુલ માત્રામાં ધરાવે છે.
4.ડાયાબિટીસ
અભ્યાસો દર્શાવે છે કે, ઘઉંના જવારા શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ નિવડે છે. ઘઉંના જવારામાં રહેલાં તત્વો ઇન્સ્યુલિન સાથે સમાનતા ધરાવતા હોવાનું મનાય છે, જેથી તે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડે છે.
5.રોગપ્રતિકારક શક્તિ વધારે
ઘઉંના જવારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ પ્રસિદ્ધ છે. આપણી રોગપ્રતિકારક વ્યવસ્થા હાનિકારક, બિમારીને નોતરું આપતા વાઇરસ સામે લડત આપવામાં અને ઇન્ફેક્શનમાંથી ઝડપથી સાજા થવામાં મદદ પૂરી પાડે છે. આજના કોવિડ-19 મહામારીના આ અનિશ્ચિતતાભર્યા સમયમાં આપણે આપણી રોગપ્રતિકારક વ્યવસ્થાને મજબૂત રાખવી જરૂરી છે અને તે માટે ઘઉંના જવારા ઉપયોગી નીવડી શકે છે.
આ ઉપરાંત, ઘઉંના જવારા કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં, ચયાપચયની ક્રિયાને બહેતર બનાવવામાં તથા આર્થરાઇટિસના ઇલાજમાં ઉપયોગી નીવડે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, ઘઉંના જવારા ચોક્કસ પ્રકારના કેન્સરના નિવારણમાં તથા તેની સારવારમાં લાભદાયી પુરવાર થઇ શકે છે.
માત્રા
ડો. રાજ્યલક્ષ્મી જણાવે છે કે, ગર્ભાવસ્થા દરમિયાન તેમજ સ્તનપાન કરાવતી માતાઓએ ઘઉંના જવારાનું સેવન ન કરવું જોઇએ. મોટાભાગે, લોકો ઘઉંના જવારાના તાજા રસનું સેવન કરે છે અને મોટાભાગે ખાલી પેટે (કારણ કે, તે સમયે શરીર વધુ પ્રમાણમાં પોષક તત્વો મેળવી શકે છે) 100 મિલી પાણીમાં 10થી 20 મિલી જેટલો જવારાનો રસ ઉમેરીને પીવો જોઇએ.
જોકે, જવારાના રસનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે, તેની અસર વ્યક્તિ-વ્યક્તિ અનુસાર ભિન્ન હોઇ શકે છે. ડોક્ટર તમારી આરોગ્યની સ્થિતિ અનુસાર તમને કેટલી માત્રા લેવી, તેની સલાહ આપશે અને આથી જ, તબીબી દેખરેખ હેઠળ જ સેવન કરવું જોઇએ.