ETV ભારત સુખીભવ દ્વારા (મુંબઇ સ્થિત ભૂતપૂર્વ કેન્સર કાઉન્સેલર અને કન્સલ્ટિંગ સાઇકોલોજિસ્ટ) કુ. કાજલ દવે સાથે આ વિષય પર વાતચીત કરવામાં આવી હતી, જેની વિગતો અહીં પ્રસ્તુત છેઃ
કેન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ અગાઉથી જ નબળી થઇ ચૂકી હોવાથી ઘણા દર્દીઓને કોરોનાથી સંક્રમિત થવાનો ભય સતાવતો હતો. આ તમામ ભય અને અનિશ્ચિતતાની વચ્ચે ઘણાં દર્દીઓને સારવારના ફોલો-અપ માટે જવાનો ડર લાગતો હતો અથવા તેઓ તેમનાં ગામોમાં પરત ફર્યાં હતાં. વાઇરસની બીક અને અધૂરી સારવારને કારણે કેન્સરના દર્દીઓ તથા તેમના પરિવારજનો સતત ચિંતાતુર રહેતા હતા.
વ્યગ્રતા, ડિપ્રેશન અને ઘરેલૂ હિંસા જેવી માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ઘણાં હેલ્પલાઇન સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યાં હતાં. કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોમાં જોવા મળતાં માનસિક આરોગ્યનાં લક્ષણો મુખ્યત્વે સારવાર અધૂરી છોડી દેવાના ભય, નિયમિત ચેક-અપને લગતો ભય અને સ્વજન ગુમાવવાના કારણે કાળજી લેનારના શોક સંબંધિત કાઉન્સેલિંગને લગતાં હતાં.
ફોન પર સારવાર મેળવી શકાય, તે માટે કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોની મદદ માટે હેલ્પલાઇન સેન્ટર્સ સ્થાપવામાં આવ્યાં હતાં અને સારવાર ચાલુ રાખવા માટે, સ્વચ્છતા બાબતે વધુ સભાન રહેવા માટે, મહામારી સંબંધિત સાંવેદનિક વ્યવસ્થાપન માટે કાઉન્સેલિંગ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેમોથેરેપી પછીની અસરોનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. લોકડાઉનને કારણે નવા દર્દીઓએ વધુ મૂલ્યાંકન માટે રાહ જોવી પડી હતી, પણ ડોક્ટરો અને કાઉન્સેલર્સે દર્દીઓને સારવાર કેવી રીતે મેળવવી, તેની સમજૂતી મેળવવામાં મદદ પૂરી પાડી હતી. કોરોના કાળ દરમિયાન ટેલિ-કાઉન્સેલિંગની સહાયથી દર્દીઓ અને પરિવારોને વાસ્તવિક અને અવાસ્તવિક ભય વચ્ચેનો ભેદ પારખવામાં મદદ મળી હતી. દરેક હોસ્પિટલ અને એનજીઓમાં હેલ્પલાઇન સેન્ટર્સ ઊભાં કરવામાં થોડો સમય લાગ્યો હતો. જે લોકો માટે ટેલિ-કન્સલ્ટિંગ નવું ક્ષેત્ર હતું અથવા તો તેના સુધી પહોંચવું શક્ય નહોતું, તેમની મદદે સ્થાનિક પ્રિન્ટ મીડીયા આવ્યું હતું. સાથે જ, નોંધણી ધરાવતાં દર્દીઓનો સંપર્ક સાધવામાં અને તેમને સારવાર સંબંધિત સમસ્યાઓમાં માર્ગદર્શન પૂરું પાડવા માટે એનજીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. ટેલિ કાઉન્સેલિંગ થકી સારવારની અસરો સંબંધિત માહિતી તથા કોરોનાનાં લક્ષણોને લગતી વિગતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
તબીબી સારવારમાં વિક્ષેપ સર્જાવાના કારણે કેન્સરના દર્દીઓને OPD સેવાઓ પુનઃ શરૂ થવા અંગે ચિંતા સતાવતી હતી, નાણાંકીય સ્રોતો પ્રભાવિત થયા હોવાથી દવાઓ મેળવવાની ચિંતા સતાવતી હતી, એનજીઓ પાસેથી મદદ મેળવવા આડે પરિવહનનું વિઘ્ન ઊભું થયું હતું, આમ, સહાયક દરમિયાનગીરીઓ ખોરવાઇ ગઇ હતી. આ તમામ સ્થિતિની વચ્ચે, અનિશ્ચિતતા અંગેના પ્રશ્નો, સારવાર ચાલુ રાખવા માટે અને નાણાં વિના સંસાધનોનું વ્યવસ્થાપન કરવા માટેના બાહ્ય તણાવ, ભયનો સામનો કેવી રીતે કરવો, અનિશ્ચિતતાની સ્થિતિની સમસ્યાઓ વગેરે જેવા સાંવેદનિક પડકારો મોજૂદ હતા. લોકડાઉનની શરૂઆતમાં લોકોમાં વાઇરસથી સંક્રમિત થવાનો ઘણો ભય છવાયેલો હતો, પરંતુ સમય વીતવા સાથે ધીમે-ધીમે આવેલું પરિવર્તન અને કેન્સરના દર્દીઓને તેમની સારવાર પુનઃ શરૂ કરવા માટે આપવામાં આવેલી છૂટછાટો તથા ટેલિફોનિક કાઉન્સેલિંગને પગલે તમામ પડકારો કાળજીપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા.
વર્તમાન સમયમાં ટેલિફોનિક કાઉન્સેલિંગનો વિચાર વ્યાપકપણે પ્રસરી રહ્યો છે. મદદ મેળવવા માટે લોકો ટેક સાવી બની રહ્યા છે, પણ કેન્સરની સંભાળમાં માનસિક આરોગ્ય માટેનું કાઉન્સેલિંગ હજી તેના પ્રાથમિક તબક્કામાં છે. મોટાભાગના ફોન કોલ્સ માનસિક આરોગ્ય માટેના નહીં, બલ્કે જરૂરિયાત સંબંધિત હોવાનું જોવા મળ્યું હતું. ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સ્ક્રીનિંગ કેમ્પ દરમિયાન જાગૃતિ ફેલાવી શકાય, ટેલિ કાઉન્સેલિંગ સેવાઓમાં નિષ્ણાતોને તાલીમબદ્ધ કરી શકાય અને તેને માનસિક આરોગ્ય માટે એક પૂરક માધ્યમ બનાવી શકાય છે. લોકડાઉનને કારણે કાઉન્સેલિંગની પ્રક્રિયા અને વ્યાપક લોક સમુદાય સુધી કેવી રીતે પહોંચવું તે માટેનો એક નવો માર્ગ ખૂલ્યો છે, તેમ કહી શકાય.
વધુ જાણકારી માટે સંપર્ક સાધોઃ davekajal26@gmail.com