ન્યૂઝ ડેસ્ક : કેન્સરની સારવાર પહેલા, દરમિયાન અને ત્યાર બાદ પણ યોગ્ય પ્રકારનો ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે જેથી કોઈ ચેપ લાગવાનો ભય રહેતો નથી, તબીયતમાં સુધારો થાય છે, શરીરમા નબળાઈનો અનુભવ થતો નથી, સર્જરી, કીમોથેરાપી અને રેડીએશન દરમીયાન ડેમેજ થયેલા ટીશ્યુ ફરી પાછા બનવામાં મદદ મળે છે, યોગ્ય વજન જાળવવામાં મદદ મળે છે અથવા જો વજનમાં ઘટાડો આવ્યો હોય તો વજન વધે છે તેમજ સારવારની આડઅસરો સામે લડવાની તાકત મળે છે અને તબીયતમાં ઝડપથી સુધારો થઈ શકે છે.
‘સારો ખોરાક લેવો’ તેનો મતલબ છે એવા અલગ અલગ પ્રકારના ખોરાક અને પીણા લેવા જેનાથી રોગ સામે લડવા માટે જરૂરી એવા તમામ પોષક તત્વો શરીરને મળી રહે. પોષણયુક્ત ખોરાક લઈ રહેલો દર્દી સારવારની આડઅસરો સામે સારી રીતે લડી શકે છે તેમજ તેની સારવાર બાદની સારી સ્થીતીની આશા કરી શકાય છે તેમજ બાકીની જીંદગી પણ ગુણવત્તાયુક્ત બની રહે છે.
જ્યારે વ્યક્તિ સ્વસ્થ હોય છે ત્યારે જરૂરી પોષકતત્વો અને કેલેરી મેળવવા માટે પુરતો ખોરાક લેવો એ સમસ્યા હોતી નથી. પરંતુ કેન્સરની સારવાર દરમીયાન પોષણયુક્ત ખોરાક ખાવો મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે દર્દીને ખોરાકની આડઅસર થતી હોય અથવા તે પોતે સ્વસ્થ હોવાની અનુભૂતી ન કરતો હોય. કેન્સરની સારવાર દરમીયાન આ રોગ અને તેની સારવારની આડઅસરથી બચવા માટે અને શરીરમાં શક્તિ જળવાઈ રહે તે માટે દર્દીએ પોતાની આહારની રીતમાં બદલાવ કરવો જરૂરી છે. આહારની રીતોમાં બદલાવ લાવવાનો મતલબ છે એવી વસ્તુઓ પણ ખાવી જે સામાન્ય સ્થીતીમાં દર્દીને ખાવાની હિમાયત ન પણ કરવામાં આવતી હોય.
શરીર અને મગજ બંન્ને માટે ઉર્જાનો પ્રાથમીક સ્ત્રોત કાર્બોહાયડ્રેટ્સ છે જેને પુરતા પ્રમાણમાં લેવો જરૂરી છે. સ્ટાર્ચી રૂટ ધરાવતા શાકભાજી અને આખા અનાજ આવી સ્થીતીમાં સારી પસંદગી ગણી શકાય છે. રીફાઇન્ડ ખાંડ ખાવાનું ટાળવું જોઈએ તેમજ ખોરાકમાં કેલેરી અને સ્વાદ ઉમેંરવા માટે મધ કે ગોળનો ઉપયોગ કરી શકાય, ખાસ કરીને ત્યારે કે જ્યારે દર્દીને ભૂખ ન લાગતી હોય અથવા એક જ સમયે મોટા પ્રમાણમાં ખોરાક લેવા તે અસમર્થ હોય.
કેન્સરના દર્દીને સામાન્ય વ્યક્તિ કરતા વધુ પ્રોટીનની જરૂર રહે છે કારણ કે શરીના કોષો અને ટીશ્યુના વિકાસ અને સારવાર માટે તેમજ સર્જરી, કીમોથેરાપી અથવા રેડીયેશન થેરાપી બાદ દર્દીની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવા માટે પ્રોટીન મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન ન મળે તો શરીરનું વજન ઘટી શકે છે, ચેપ સામે રક્ષણ મેળવવાની તેની ક્ષમતામાં ઘટાડો થાય છે અને પરીણામે બીમારીમાંથી બહાર આવવામાં તેને સમય લાગે છે. પ્રોટીનના સ્ત્રોતોમાં માછલી, ઈંડા, લીગ્યુમ, કઠોળ, દાળ, કાજૂ-બદામ તેમજ સીંગદાણા અને સીસમના બી ના બટરનો સમાવેશ થાય છે. આ સમય દરમીયાન ડેરી પ્રોડક્ટ્સ, લાલ માંસ અને ચીકન ખાવાનું ટાળવું જોઈએ.
ચરબી શરીરમાં મહત્વપૂર્ણ ભૂમીકા ભજવે છે કારણ કે તે ઉર્જાનો સ્ત્રોત છે. તે શરીરના ટીશ્યુને ઇન્સ્યુલેટેડ રાખે છે અને ફેટમાં દ્વાવ્ય એવા વીટામીન એ, ડી, ઈ અને કે ને લોહી દ્વારા પસાર થવામાં મદદ કરે છે.
શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે થોડા પ્રમાણમાં વિટામિન્સ અને ખનીજની જરૂરીયાત હોય છે. વીટામીન એ, સી અને ઈ તેમજ સેલેનીયમ અને ઝીંક જેવા મીનરલ્સ શરીર માટે એન્ટીઓક્સીડન્ટ્સ તરીકે કામ કરે છે અને તે શરીરના કોષોને નુકસાન પહોંચવાથી બચાવે છે. ફળો અને શાકભાજી બંન્ને ન્યુટ્રીઅન્ટ અને પાયથોન્યુટ્રીઅન્ટના સારા સ્ત્રોતો છે અને માટે કેન્સરની સારવાર દરમીયાન દરરોજ તે આહારનો ભાગ બનવા જોઈએ.
પાણી અને અન્ય પ્રવાહી તત્વો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે કારણ કે શરીરના તમામ કોષોને યોગ્ય રીતે કામ કરવામાં તેની જરૂર પડે છે. અપુરતા પ્રમાણમાં પાણી લેવાથી અથવા ઝાડા કે ઉલ્ટી વાટે પાણી નીકળી જવાથી ડિહાયડ્રેશન થવાની શક્યતા રહે છે જે જીવલેણ સાબીત થઈ શકે છે. જ્યારે કેન્સરની સારવાર થઈ રહી હોય ત્યારે ખાસ કાળજી રાખો કે દર્દીને દિવસ દરમીયાન અન્ય પ્રવાહી ઉપરાંત 7 થી 8 ગ્લાસ પાણી આપવામાં આવે. આ ઉપરાંત એ વાતની કાળજી રાખવી પણ જરૂરી છે કે કેન્સરની સારવાર દરમીયાન જો દર્દીને ઉલ્ટી કે ઝાડાની સમસ્યા હોય તો પ્રવાહીની આ માત્રામાં વધારો કરવામાં આવે.
વધુ માહિતી માટે rohinidiniz@gmail.com પર સંપર્ક કરી શકો છો.