વાપીઃ ચલા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર મોહન પટેલ નામના યુવકને શરદી,ખાંસીની તકલીફ હોવાથી શહેરની જીવનદીપ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાંથી તેમનો કોરોના રિપોર્ટ કરવા માટે જનસેવા હોસ્પિટલમાં મોકલ્યો હતો. અહિં તેમના રેન્ડમ સેમ્પલ માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિસ્ચાર્જ કરવાનો હતો ત્યારે રાત્રે ઉંઘમાં જ તેમનું મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
યુવકના મોત અંગે વાપી શહેર સ્વાસ્થય વિભાગના સીની પાંડેએ વિગતો આપી હતી કે, યુવકને પહેલેથી જ ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ હતી તેથી તેની સારવાર પણ ચાલુ હતી. તેના મોત બાદ તેમના પરિવારજનોએ તેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી અંતિમસંસ્કાર કર્યા છે. તો હવે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ જાણવા મળશે. પરંતુ કોરોના વાઈરસના ડરને કારણે યુવક ગભરાઈ ગયો હતો તેથી તેને ઊંઘમાં જ હાર્ટએટેક આવતા મોત થયું હોવાના પ્રાથમિક તારણો સામે આવ્યા છે.