- ચૈત્રી નવરાત્રી નિમિત્તે આજે બુધવારે બ્રહ્મચારિણી માતાની પૂજા કરવામાં આવે છે
- ચૈત્રી નવરાત્રી દરમિયાન 51 શક્તિપીઠનો ખૂબ મહિમા છે
- દેવોએ પણ પોતાના કાર્ય સિદ્ધ કરવા માતાજીને પ્રાર્થના કરવી પડે છે
વાપી: જગતભરમાં માતાજીની લીલા અપરંપાર છે. દેવોએ પણ તેના શુભ કાર્ય માટે માતાજીની આરાધના કરવી આવશ્યક છે. ત્યારે માતાજીના મુખ્ય ત્રણ સ્વરૂપ અને 51 શક્તિપીઠનું મહત્વ આચાર્ય રજનીકાંત જોષીએ ETV bharatના દર્શકોને સમજાવ્યું હતું.
આજના દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે
આજે બુધવારે ચૈત્રી નવરાત્રીનો બીજો દિવસ છે. આજના દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તો 51 શક્તિપીઠના દર્શન કરી માતાજીની કૃપાના આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે આ 51 શક્તિપીઠ અંગે આચાર્ય રજનીકાંત જોશીએ જણાવ્યું હતું કે, માતા સતીએ જ્યારે દેહનો ત્યાગ કર્યો ત્યારે વ્યથિત શિવ તેના શરીરને લઈને બ્રહ્માંડમાં ફર્યા હતાં. જે સમયે માતાના અંગોના ટુકડા જે સ્થાન પર પડ્યા તે સ્થાન આજે શક્તિપીઠ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો: પાટણમાં ચૈત્રી નવરાત્રિનો ભક્તિમય માહોલમાં પ્રારંભ
51 શક્તિપીઠમાં માતાજી હાજરાહજૂર છે
આવા કુલ 51 શક્તિપીઠ છે. જ્યાં માતાજી હાજરાહજૂર છે. આ તમામ શક્તિપીઠમાં જઇ માતાજીના દર્શન અને આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલે ચૈત્રી નવરાત્રીમાં દરેક શક્તિપીઠ માં હજારો ભક્તો દર્શને આવે છે. આ દિવસે શક્તિપીઠમાં વિશેષ પૂજા અને હવનના આયોજનો થાય છે.
મુખ્ય ત્રણ માતાજીના અંશ સ્વરૂપે પ્રગટ થયા
એ જ રીતે માતાજીના પ્રાગટય અંગે આચાર્ય રજનીકાંત જોશીએ વિગતો આપી હતી કે, તમામ માતાજીના સ્વરૂપ મુખ્ય ત્રણ માતાજીના અંશ છે. માતા સરસ્વતી, માતા મહાલક્ષ્મી અને માતા કાલી આ ત્રણ માતાજીના અન્ય અંશ સ્વરૂપે બીજા માતાજી પ્રગટ થયા છે. જેનું અસલ સત્વ એટલે અર્ધનારેશ્વર જે ભગવાન શિવ અને પાર્વતીનું છે. દેવો હોય, ગંધર્વો હોય કે મનુષ્ય દરેકે પોતાના શુભ કાર્ય પાર પાડવા માટે માતાજીની આજ્ઞા લેવી જરૂરી છે.
માતાજીનો મહિમા અપરંપાર છે
માતાજીની આજ્ઞા વિના ક્યારેય કોઈ શુભ કાર્ય સિદ્ધ કરી શકાતું નથી. ત્યારે આ ચૈત્રી નવરાત્રીમાં દરેક ભક્તો માતાજીનો આ અપરંપાર મહિમા જાણે તેની આરાધના કરે તો દરેક દુઃખમાંથી મુક્તિ મેળવી સકળલોકને પામે છે.