વાપીમાં દર ચોમાસામાં રસ્તાઓ ખરાબ બનવા, જયાં-ત્યાં પાણીનો ભરાવો થવો જેવી સમસ્યાઓથી વાપીવાસીઓ પરેશાન બની ચૂકયા છે. વાપીમાં વિકાસના નામે માત્ર ઠેકડી ઉડતી હોવાનું નજરે પડી રહ્યું છે. વાપીમાં છેલ્લા કેટલાય લાંબા સમયથી માર્ગો બનાવવામાં આવી રહ્યા છે, કેટલાય લાંબા સમયથી ગટર કે ફૂટપાથ બનાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. જો કે, આ દરેક કામગીરીનો આજ દિન સુધી કોઈ અંત આવ્યો નથી. કંઈકને કંઈક બાબતે આખા વર્ષ દરમિયાન માર્ગો ઉપર ખોદકામ કરાતું જ આવ્યું છે.
આ અંગે નગરપાલિકાના વિપક્ષી નેતા ખડું પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં 15 વર્ષ પહેલાં જે માર્ગો બનતા હતાં તે ક્યારેય ચોમાસામાં તૂટતા નહોતા. પરંતુ, હવેના શાસનમાં જેટલા પણ માર્ગ બન્યા છે. તે, તમામ બિસ્માર બન્યા છે. કેમ કે એકપણ માર્ગનું અધિકારીઓ કે શાસકપક્ષ દ્વારા સર્વે કરાતું નથી. કોન્ટ્રાક્ટરના ભરોસે માર્ગ બનાવી ગોળ પાપડીની જેમ ગોળરૂપી કરોડો રૂપિયાની રિશ્વત ખાઈને જવાબદારીમાંથી છટકી જાય છે.
વાપીમાં તમામ રસ્તાઓ એટલા બિસ્માર બન્યાં છે. પ્રસૃતા મહિલાઓની ડિલિવરી પણ માર્ગ પર જ થઈ હોવાના બનાવો બન્યા છે. પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ માર્ગ બાબતે કોઈ જ જવાબદારી નિભાવી નથી. તેવો આક્ષેપ કરતા વિપક્ષી નેતા ખંડું પટેલે હાલમાં જ વાહનચાલકો માટે આવેલા નવા કાયદા અંગે જણાવ્યું હતું કે, હેલ્મેટનો કાયદો બાનવવો જોઈએ. પરંતુ, તે માટે માર્ગો પણ સારા જોઈએ. જે માર્ગ પર વાહનચાલકનું હેલ્મેટ જ ઉછળીને પડી જતું હોય તેવા માર્ગો પર વાહનચકો શા માટે દંડ ભરે ? પરંતુ આ સરકાર રોડ ટેક્સ, ટોલ ટેક્સ હાઉસ ટેક્ષના નામે માત્ર પ્રજાને લૂંટવાનું કામ કરી રહી છે.
જ્યારે ખખડધજ ખાડા માર્ગ અંગે વાપી નગર પાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, માર્ગો પર ખાડા પડી જવાનું કારણ અતિવૃષ્ટિ છે. ગત વર્ષે ચોમાસું સીઝનમાં માત્ર 77 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વખતે 135 ઇંચ વરસાદ પડ્યો છે. તમામ મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમે પેચસર્ક કામગીરી કરવા માંગીએ છીએ પરંતુ, વરસાદ રોકાઈ તો તે કામગીરી કરી શકાય જે થઈ નથી.
જયારે અમે આ માટે આયોજન પણ કરી લીધું છે. અને સ્વભંડોળ માંથી રકમ પણ ફાળવી દીધી છે. આગામી દિવાળી સુધીમા તમામ માર્ગોની મરામત કામગીરી પુરી કરવાની નેમ હોવાની જણાવી વધુમાં વિઠ્ઠલ એટલે જણાવ્યું હતું કે, ખરાબ રસ્તાઓ માત્ર વાપીમા જ નહીં સમગ્ર ગુજરાતમાં છે. અને વરસાદને કારણે આ રસ્તાઓ તૂટ્યા છે. એ માટે કોઈ અધિકારી કે શાસકપક્ષ વચ્ચેના સંકલનનો અભાવ નહીં પરંતુ, અતિવૃષ્ટિના કારણે માર્ગો બિસ્માર બન્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને પગલે વાપીના માર્ગો ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. વાપી જે ટાઈપ રોડ, ચલા મુકતાનંદ માર્ગ, ચલા ગોલ્ડ કોઈન સર્કલ, વાપી રેલવે ફલાય ઓવરબ્રીજ, પીડબ્લ્યુડી ઓફિસ ચાર રસ્તા, જૂના રેલવે ગરનાળા રોડ, ટાંકી ફળિયા રોડ, બલીઠા રોડ, ડુંગરી ફળિયા રોડ વાહનચાલકો માટે શિરદર્દ સમાન બન્યાં છે. વાહનચાલકોએ ખાડામાંથી માર્ગ શોધીને પસાર થવાની અને આટાપાટા રમવાની નોબત આવી ગઈ છે. અને ચંદ્રમાં પર હોવાનો એહસાસ કરી રહ્યાં છે.