વલસાડઃ 24 માર્ચની મધ્યરાત્રિથી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જેના કારણે વાપી સહિત સમગ્ર જિલ્લામાં કામકાજ ઠપ્પ થયું છે. બજારોથી લઇને હાઇવે પણ સુમસાન થયા છે.
વાપી એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અહીં બહારથી અનેક લોકો રોજી રોટી માટે આવતા હોય છે. હાઇવે, રેલવે કે બિલ્ડીંગોની સાઈટ પર ખુલ્લા મેદાનોમાં જીવન ગુજારતા આ પરિવારો કોરોનાના ભય વચ્ચે વાપી છોડીને જઈ રહ્યા છે. સમગ્ર દેશ સાથે ગુજરાત રાજ્યમાં લોક ડાઉન હોવાથી તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ છે. છતાં આ પરિવારો હાઇવે પર એકલ દોકલ આવતા જતા વાહનો ઉભા રાખીને શહેરની બહાર નીકળી રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો હાલની પરિસ્થિતિમાં એક શહેરમાંથી બીજા શહેરમાં જવું પણ મુસીબત સર્જી શકે તેમ છે. છતાં પણ આ પરિવારો પોતાના વતન તરફ જઇ રહ્યા છે.
છેલ્લા એક સપ્તાહથી વાપીમાં મજુર પરિવારોનું લગાતાર પલાયન જારી છે. ક્યારેક તો રાત્રે પણ વાપીના જકાત નાકા પોઇન્ટ પર મજુર પરિવારો બસમાં બેસીને વતન તરફ ભાગતા જોવા મળ્યા હતા. શહેરમાંથી પલાયન કરી રહેલા આ પરિવારો મૉટે ભાગે રાજસ્થાન કે દાહોદ, ગોધરા તરફના હોય વાપીથી ઘરે પહોંચવા માટે હજુ તેમણે લાંબી મજલ કાપવી પડશે, તેવામાં એક તરફ આખું ગુજરાત બંધ હોય પોલીસથી લપાઈ છુપાઈને ટ્રકોમાં ભરાઈ ભરાઈને ઘરે જતો આ કાફલો પોલીસની નજરથી બચીને કેટલે દૂર સુધી પહોંચશે?