વલસાડઃ ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલમાં ગઈ કાલે રાત્રે કોઈ કારણથી આગ લાગી હતી. જે દરમિયાન ICUમાં રહેલા બાળકોને ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે ત્યાં આવેલી એક મહિલાએ કાચની પેટીમાંથી એક બાળકીને ઉઠાવીને ચાલી ગઇ હતી.
જોકે બાદમાં જ્યારે બાળકોની ગણતરી કરવામાં આવી ત્યારે, હકીકત બહાર આવતા સમગ્ર બાબતે બાળક ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકમાં શિશુની માતા યમનાબેન જયેશભાઈ ભૂંસારા દ્વારા કરવામાં આવતા પોલીસ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોકી ઉઠી, એક મહિલા બાળકને ઉઠાવી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે એજ મહિલા દ્વારા એક દિવસ પહેલા ધરમપુરમાં જ આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં બાળકને ચોરી કરી જવા માટે પોતે મોઢે માસ્ક નર્સના સૂટ પહેરી બાળક લઈને જતી હતી. ત્યારે ત્યાં કામ કરતી અન્ય નર્સએ અટકાવી પૂછપરછ કરતા બાળક મૂકીને ભાગી ગઈ હતી.
સીસીટીવીમાં આ મહિલા કેદ થઈ હતી. શ્રીમદ રાજચંદ્રમાં નર્સની સતર્કતાને કારણે નવજાત બાળકની ચોરી અટકી ગઈ હતી. મહત્વનું છે કે, ધરમપુર પોલીસને મળેલી ફરિયાદ અને સીસીટીવીના આધારે પી.આઈ.ગોહિલે તપાસનો ધમધમાટ શરૂ કરતા બાળકને લઈ જનારી મહિલા સામરસિંગી ગામની યોગીતા હોવાનું બહાર આવતા પોલીસે તેણીના ઘર તપાસ કરતા નવજાત બાળક સાથે તે મળી આવી હતી. આમ ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં બાળક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અને નવજાત બાળકીને તેના માતાને હવાલે કરી હતી.
શ્રીમદ રાજચન્દ્ર હોસ્પિટલમાં એક દિવસ પહેલા ઉપરોક્ત મહિલાએ જ ચોરી કરવાની કોશિશ કરી હતી અને એ વિફળ રહી હતી. નર્સની સતર્કતાને કારણે બાળક બચી ગયુ હતું. જોકે ગઈ કાલે સરકારી હોસ્પિટલમાંથી બાળક ચોરી ગઈ હતી.