- સરોધી ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતીની કરી હત્યા
- હત્યા બાદ મૃતદેહને કારમાં ભરી મોતીવાડા રેલવે ટ્રેક ઉપર ફેંકી દીધો
- હત્યાને આત્મહત્યામાં ખપાવવા કર્યો પ્રયાસ
વલસાડઃ જિલ્લામાં ગત તારીખ 6-4-2021ના રોજ પારડી પોલીસને ઉદવાડા રેલવે ટ્રેકની વચ્ચે આવેલા મોતીવાડા નજીક એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, તેને ઓળખવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ ઘટનાસ્થળેથી મળેલી બાઇકની તપાસ કરતા આ બાઇકના માલિક પ્રકાશ નગીન પટેલ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કરી તેમની પત્નીને મૃતદેહની ઓળખ માટે પારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવ્યાં હતા. જ્યાં કપડા ઉપરથી પ્રકાશ નગીન પટેલની પત્નીએ તેના પતિના મૃતદેહની ઓળખ કરી હતી.
આસપાસના રહીશોને પૂછપરછ કરતા પોલીસની શંકા વધુ પ્રબળ બની
પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા જણાવતી આ ઘટનામાં પારડી પોલીસના PSI અને તેમની ટીમ દ્વારા મૃતકના ઘરની આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. જે દરમિયાન મૃતકની પત્ની મનિષાનો પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું અને જેના કારણે પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રોજબરોજ ઝઘડા થતાં હતાં. જે અંગેની હકીકતની જાણકારી મળતાં પોલીસે વધુ તપાસનો દોર શરૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરાઇ હત્યા
મૃતકની પુત્રીએ પૂછપરછ દરમિયાન પોલીસને વાકેફ કર્યા હતા
મૃતક પ્રકાશ નગીન પટેલની હત્યા થઈ કે આત્મહત્યા તે બાબતે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને આસપાસના લોકોના નિવેદન લીધા બાદ પોલીસે મૃતકની કિશોર વયની પુત્રીને પણ આ સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરતા તેણીએ આ સમગ્ર ઘટના પોતે પ્રત્યક્ષ નિહાળી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, તેની માતા અને પ્રેમીએ મળી તેના પિતાની હત્યા કરી હતી અને જો તે કોઈને પણ આ બાબતે કહેશે તો તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પોલીસે મૃતકની પત્ની મનિષા અને પ્રેમી દર્શનની ધરપકડ કરી હતી.
મૃતકની પત્નીએ પતિની હત્યા કરવા અગાઉથી જ પ્લાન બનાવ્યો હતો
મૃતકની પત્ની મનીષા પોતાના પ્રેમી દર્શન પ્રેમાભાઈ પટેલ રાત્રી દરમિયાન બંને અવારનવાર મળતા હતા અને તેમનો આ પ્રેમ સંબંધમાં તેમનો પતિ પ્રકાશ પટેલ કાંટાની જેમ તેમને ચુભતો હતો અને આ કાંટો કાઢી નાખવા માટે પ્રેમિકાએ અગાઉથી જ પ્રેમીને બોલાવી તારીખ 6-4-2021ના રોજ મોડી રાત્રે પ્રકાશ નગીન પટેલ પોતાના ઘરમાં ઊંઘતો હતો, ત્યારે તેને માથાના ભાગે લોખંડનો સળીયો મારી બેહોશ કરી નાખ્યો હતો. જે બાદ તેનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે મૃતદેહને કારમાં લઈ ઉદવાડા અને બગવાડા વચ્ચે આવેલા મોતીવાડા વિસ્તારના રેલવે ટ્રેક ઉપર એ રીતે મૂક્યો હતો કે ટ્રેન આવે એટલે તરત જ મૃતદેહના ટૂકડે ટૂકડા થઈ જાય, જેથી કોઈ તેમને ઓળખી ન શકે અને પ્રકાશ નગીન પટેલે આત્મહત્યા કરી હોવાનું ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ બારડોલીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી
હત્યાના આરોપસર પોલીસે પકડેલા દર્શન પ્રેમાભાઈ પટેલ જે પોતે ઇકો કાર ચલાવતો હતો અને વાપીમાં આવેલી મેરીલ લાઈફ કંપની માં કામ કરતો હતો અને ઇકો કારમાં પોતાની સાથે કામ કરતાં અન્યોને પણ લાવવા લઈ જવાનું કામ કરતો હતો. જેમાં તેની સાથે કામ કરતી મનીષાને આંખ મળી જતા છેલ્લા કેટલાક સમયથી બન્ને પ્રેમમાં હતા.
પોતાના પતિને પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારી દઈ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરનારી મનીષા અને તેના પ્રેમી દર્શન પ્રેમાભાઈ પટેલને પારડી પોલીસે ધરપકડ કરી તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.