વલસાડ: પારડી તાલુકાનાં કોટલાવ ગામમાં આજે પણ વિકાસ થયો નથી. ભરચોમાસે દાદરી મોટા ફળીયાના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળે છે અને લોકોને આવાગમન માટે મુશ્કેલી સર્જાય છે. ફળિયામાં જો કોઈ માંદું પડે તો આવા સમયે લોકોને સારવાર માટે લઈ જવા મુખ્ય માર્ગો ઉપર ભરાઈ જતાં વરસાદી પાણી જે ક્યારેક ક્યારેક ગળા સુધી તો ક્યારેક ક્યારેક કમર સુધી ભરાયેલા હોય છે. તેવી સ્થિતિમાં ઉતારીને લઈ જવાની ફરજ પડે છે.
આજે પણ કંઈક આવું જ બન્યું હતું, દાદરી મોરા ફળિયામાં રહેતા અરવિંદભાઈ ઘુરિયાભાઈનું કુદરતી મોત થયું હતું. જેને લઇને તેમની અંતિમયાત્રા કાઢવા માટે ફળિયાના યુવાનો મુશ્કેલીમાં મુકાયા હતા. જીવના જોખમે મુખ્ય માર્ગ પરથી વહેતાં ગળા સુધીના વરસાદી પાણીમાંથી તેમની અંતિમયાત્રાને પસાર કરીને લઈ જવાની ફરજ પડી હતી. આ વરસાદી પાણીમાં મુખ્ય માર્ગ ઉપર જીવના જોખમે મૃતકની અંતિમયાત્રાને પોતાના ખભે અને હાથ ઉપર ઊંચા કરીને ગામના યુવાનોએ જીવના જોખમે સ્મશાન સુધી પહોંચતી કરી હતી.
મહત્વનું છે કે, કોટલાવ દાદરી મોટા ફળિયામાં વરસાદ શરૂ થતાંની સાથે જ મુશ્કેલીમાં વધારો થતો હોય છે અને મુખ્ય માર્ગ ઉપર દર વર્ષે ચોમાસામાં કમર સુધીના પાણી ભરાઇ જાય છે. જેના કારણે આવાગમન માટે ખૂબ જ મુશ્કેલી સર્જાતી હોય છે.
આ ફળિયાના લોકોએ અનેકવાર રાજકારણીઓ તેમજ વહીવટી તંત્રને તેમનો રોડ ઉંચો કરવા અને બ્રિજ બનાવી આપવા માટે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેમની આ રજૂઆતોને જડમૂળથી નિકાલ કરવા માટે કોઈપણ કામગીરી કરાઇ નથી. જેથી તેમની પરિસ્થિતિ આજે પણ ગંભીર બની ગઈ છે.