હાલમાં જ રીનોવેશન કરી નવા બનાવવામાં આવેલા વલસાડ રેલ્વે સ્ટેશનને આખી રાત પડેલા વરસાદને પગલે વરસાદી પાણી સ્ટેશનની પ્લેટફોર્મની લોબીમાં અને વેઇટિંગ રૂમમાં પહોંચી ગયા હતા. ભરેલા વરસાદી પાણીથી અહીં આવનારા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એકતરફ રેલ્વે પ્રધાન પિયુષ ગોયેલે તેમના ટ્વીટર એકાઉન્ટમાં ફોટો અપલોડ કરી વલસાડ રેલ્વે સ્ટેશનની પ્રશંસા કરી હતી તો પ્રથમ વરસાદે જ રેલ્વે સ્ટેશન ઉપર થયેલી કામગીરીની પોલ ખોલી દીધી હતી.
વલસાડ રેલ્વે સ્ટેશનને વર્ષો જૂનો યુરોપિયન લુક જાળવી રાખી રીનોવેશન કરી મુસાફરો માટે શરૂ કરવામાં આવ્યું છે. જો કે એરપોર્ટ કરતા પણ વધુ આકર્ષક અને સ્વચ્છતા પણ ખૂબ સારી હોવાનું જણાવી રેલ્વે પ્રધાન પિયુષ ગોયેલ જે વલસાડ રેલવે સ્ટેશનના ફોટો પોતાના ટ્વીટર એકાઉન્ટમાં મૂકીને વખાણ કર્યા તે જાણે કે, વખાણેલી ખીચડી દાતે વળગી હોય તેમ અહીં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના આભાવે વરસાદનું પાણી સિધુ પ્લેટફોર્મ નંબર-1ની લોબીમાં અને મુસાફરો માટે બનાવેલા નવા પ્રતિક્ષાલય સુધી પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
નોંધનીય છે કે, વર્ષો જુના અંગ્રેજોના સમયમાં બનેલા વલસાડ રેલ્વે સ્ટેશનને રીનોવેટ કરવાની કામગીરી હાલ થોડા દિવસ પૂર્વે જ પૂર્ણ થઈ છે અને નવા બનેલા આ સ્ટેશન ઉપર વરસાદી પાણી નિકાલ માટે હાલ તો કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાની ઉડીને આંખે વળગી રહ્યું છે.