વાપીઃ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં આ વધતા જતા ફેલાવાને જોતાં 21 દિવસના લોકડાઉન બાદ ફરી લોકડાઉન લંબાવામાં આવ્યુ છે. કોરોનાની મહામારીને લઇને છેલ્લા 21 દિવસથી સમગ્ર દેશના ધાર્મિક સ્થળો, મંદિરો બંધ છે. એવામાં 22 વર્ષથી દર ગુરુવારે ગરીબ નિરાધાર લોકોને ખીચડી કઢીનો મહાપ્રસાદ આપતા વાપીના જલારામ મંદિરમાં 4 ગુરુવારથી આ આયોજન સ્થગિત કરવામાં આવ્યું છે.
જે અંગે મંદિરનું વહીવટી કામ સાંભળતા પ્રેમશંકરભાઈ જાનીના જણાવ્યા મુજબ 1997માં મંદિરનું નવનિર્માણ થયા બાદ બીજા વર્ષથી શરૂ કરીને લગાતાર આજ સુધી એક પણ ગુરુવાર ચુક્યા વગર મહાપ્રસાદ યોજાતો હતો. 22 વર્ષ પહેલા શરુ થયેલો આ સિલસિલો અવિરત અટક્યા વગર 2020 સુધી ચાલુ હતો, દર ગુરુવારે અહીં સમગ્ર પ્રદેશના દાતાઓની સહાયથી મહાપ્રસાદનું આયોજન થતું હતું.
આ સાથે મંદિરમાં ગરીબ લોકોના સ્વાસ્થ્ય માટે એક હોમિયોપેથી દવાખાનું પણ ખોલવામાં આવ્યું છે. જ્યાં દરેક લોકોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. હાલ લોકડાઉનમાં વડાપ્રધાનના આહવાન બાદ સમગ્ર દેશના લોકોએ પીએમ કેર ફંડમાં નાણાંનું દાન કર્યું છે.
તેમાં જલારામ મંદિર પણ બાકાત નથી. મંદિરના ટ્રસ્ટીઓએ પીએમ કેર ફંડમાં એક લાખનું દાન પણ કર્યું છે. તેમજ કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તે હેતુથી મંદિરના સંચાલકો દ્વારા વર્ષ 1998 થી 2020 સુધીના મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત ધાર્મિક કાર્યક્રમો રદ કર્યા છે. જેના કારણે ગુરુવારના દિવસે પણ મંદિર સુમસામ જોવા માળે છે.