કપરાડા તાલુકાના ખૂટલી ગામે આવેલ ગોના ડુંગર નજીકમાં આવેલા નીચલી ખોરી ફળિયામાં રહેતા જીવલા ભાઈ પવાર તેમના પરિવાર સાથે શનિવારે પરોઢિયે નીંદર માણી રહ્યા હતા. ત્યારે અચાનક ધડાકા ભેર ડુંગર પરથી માટી ધસી આવતા ઘરની નજીકમાં આવેલા ખેતરમાં ડાંગરનો ઉભા પાકમાં ડુંગરની માટી ધસી આવી હતી. આ સાથે જ તેમના ઘરની એક બાજુની દીવાલ નો ભાગ તોડી કેટલીક માટીનો માલબો ઘરના ત્રણ રૂમમાં ફરી વાળ્યો હતો.જેને પગલે દીવાલ તૂટી જતા એક તરફના પતરાનો સેડ નલિયા ઓટલાની દીવાલ સમગ્ર તૂટી જતા તેઓ ભર ચોમાસે પરિવાર સાથે બેઘર બન્યા હતા.
તેમના ઘરવખરીને પણ ભારે નુકશાન થયું હતું. જીવલા ભાઈને બે પુત્ર છે જે પૈકી એક સુમન ભાઈ પવાર એ સુરતના વાવ ખાતે એસ આર પી ની કંપની 11-એ માં ફરજ બજાવે છે. ત્યારે દેશ માટે સેવામાં સદા તત્પર રહેતા આવા જવાનોના પરિવાર પર જ્યારે વિપદા આવી પડે ત્યારે કેમ કોઈ આગળ આવતું નથી. આ જવાનના માતા-પિતા છેલ્લા 5 દિવસથી ઘર ધરાશાયી થયા બાદ નજીકના પાડોશીને ત્યાં રહે છે. ઘટના બન્યા બાદ માત્ર ગામના તલાટી ત્યાં જોવા આવ્યા બાદ એક પણ સરકારી અધિકારીએ સમગ્ર ઘટનાની ગંભીરતા જોવા પણ આવ્યું નથી.
નોંધનીય છે કે, દેશ માટે સેવા કરનાર આર્મીના જવાન હોય કે SRPના સૈનિક દરેક નિષ્ઠા પૂર્વક તેની કામગીરી બજાવે છે. ત્યારે આવા દેશને કાજ ઘર છોડી સેવામાં જનારા સૈનિકો માટે સમગ્ર દેશના લોકો સન્માનની નજરે જોતા હોય તો ખૂટલી ગામે સૈનિકના માતા પિતા પર આવી પડેલી આ વિપડા સમયે કેમ કોઈ સરકારી અધિકારી ફરક્યું નહિ. આજે પણ તેમના માતા-પિતા અન્યના ઘરે રાત્રી રોકાણ કરવા મોહતાજ બન્યા છે.