વલસાડઃ જિલ્લાના સંજાણ ગામે આવેલા મુન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સરકારના જાહેરનામાનો ભંગ થતો હોવાની ફરિયાદ સંજાણના જાગૃત નાગરિકે કરી હતી.
કોરોના મહામારીમાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉનમાં કેટલીક જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓને સરકારની માર્ગદર્શિકા મુજબ છૂટ આપી છે. આ માર્ગદર્શિકા મુજબ સંજાણની મુન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ફૂડ પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવામાં આવતી HDPE/LDPE બેગ્સનું પ્રોડક્શન ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
સરકારની ગાઇડલાઈન મુજબ કંપની સંચાલક એક શિફ્ટમાં 22 કામદારો મુજબ 2 શિફ્ટમાં યુનિટ ચાલું રાખી શકશે તેવી ખાતરી આપી છે.
તેમ છતાં આ યુનિટમાં કર્મચારીઓને બહારથી બોલાવવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સ કે અન્ય સુરક્ષાના કોઈ સાધનો રાખવામાં આવ્યા ન હતા. આ કંપનીના કારણે સંજાણમાં કોરોનાનો ભય ફેલાય શકે છે. તેવા ડર સાથે સંજાણના જાગૃત નાગરિક અનિશ મદદઅલી રયાણીએ સંજાણ આઉટપોસ્ટ અને ઉમરગામ પ્રાંતમાં અરજી કરી હતી.
સમગ્ર મામલે કંપનીના સંચાલક ગોપીકિશન શર્મા સાથે વાત કરતા તેમણે આ મામલે સરકારની ગાઇડલાઈન મુજબ પ્રોડક્શન કામગીરી થતી હોવાની જાણ કરી હતી. ત્યારે હવે સરકારી તંત્ર આ સમગ્ર મામલે કેવી તપાસ કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.