વલસાડ જિલ્લામાં આવેલા પારડી તાલુકાના નેવરીથી ચીંચાઈ તરફ જતા પાર નદી સુધીનો માર્ગ છેલ્લા 4 વર્ષથી બનાવવામાં આવ્યો છે. આ માર્ગ ઉપર અનેક ખાડાઓ પડી ગયા છે. તો હાલમાં ચોમાસુ ચાલી રહ્યું હોય ,ત્યારે વરસાદ હોય તે સમયે અહીંથી પસાર થવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. કારણ કે, આ રોડ પરથી જો કોઈ અજાણ્યા વાહન ચાલક પસાર થાય તો નિશ્ચિતપણે તેનો અકસ્માત કે બાઈક સ્લીપ થવાનો બનાવ સંભવ જ છે. કારણ કે, આ માર્ગ પર રોડ નહીં, પરંતુ ખાડા વધારે છે. આ માર્ગે ચંદ્રની ધરતી જેવો બની ચૂક્યો છે. જેના કારણે અહીંથી પસાર થનારા લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે. તો રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા રોડ પર કેટલા મસમોટા ખાડા પડ્યા છે. તે વાહનચાલકોને અંદાજ આવતો નથી. જેને પગલે વાહનચાલકોના અકસ્માત થવાના બનાવો વધી રહ્યા છે.
આ માર્ગનો ઉપયોગ ફલધરા, ચિંચાઈ, નેવરી સહિત અનેક ગામોના લોકો પોતાના અવર જવર માટે કરે છે. જો કે ચોમાસામાં અનેક વાહન ચાલકોના અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકોએ રોડ બનાવવા માટે સરકારી તંત્રમાં અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ ન તો આ રોડ માટે કોઈ જોવા આવ્યું કે ન રોડનું સમારકામ થયુ. જેથી વધી રહેલા વખત અકસ્માતોને રોકવા માટે ગામના યુવા વર્ગના લોકોએ એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. જે રોડ ઉપર જે જગ્યા ઉપર ખાડાઓ છે. તે જગ્યાની નજીકમાં લાલ રંગની ઝડી બનાવી લગાવી દેવામાં આવી છે. જેથી કરીને આ માર્ગનો ઉપયોગ કરતાં કોઈ પણ અજાણ્યો વાહન ચાલક પસાર થાય તો કમસેકમ આ ઝંડી જોઈને તેને એટલો તો અંદાજ આવી જશે કે જ્યાં જ્યાં ઝંડી લગાવવામાં આવી છે, ત્યાં આગળ ખાડા પડ્યા છે.
તો આ મામલે ગામના સરપંચ નિલેશભાઈએ જણાવ્યું કે તેઓના દ્વારા આજે PWD વિભાગમાં લેખિતમાં રોડના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી છે. જો 10 દિવસની અંદર આ રોડનું સમારકામ નહીં થાય. તો આગામી દિવસમાં તેઓ નિશ્ચિતપણે સ્થાનિકો સાથે મળીને ગાંધીજીના માર્ગે આંદોલન કરશે.