વલસાડ: મરોલી ગામનો એક ચકચાર જગાવતો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઉમરગામ તાલુકાના મરોલી ગામે એક યુવકને શરદી-ખાંસી હતી. જેને કોરોનાના લક્ષણો ગણી આરોગ્ય વિભાગની એક ટીમ એમ્બ્યુલન્સ સાથે યુવકને લેવા પહોંચી હતી. તેવા સમયે ગામલોકોએ એકઠા થઇ આરોગ્ય વિભાગની ટીમ સાથે ગાળાગાળી કરી યુવકને માત્ર શરદી ખાંસી જ છે. તો કેમ લેવા આવ્યા? તેને કોઈ કોરોના નહી હોવાની બુમરાણ મચાવી હતી.
ગામલોકોએ આક્ષેપો કર્યા હતાં કે, સરકાર સાજા માણસોને કોરોનાને બહાને લઈ જાય છે. તેમજ પૈસા કમાવાના કાવતરા હેઠળ મારી નાખે છે. કોરોના નથી તો પણ જબ્બરજસ્તી લેવા આવ્યાં છે. ગામલોકોનો ઉગ્ર રોષ જોતા આખરે એમ્બ્યુલન્સ ચાલકે યુવકને લીધા વિના જ પરત જવાનું મુનાસીબ માન્યું હતું. જોકે, હાલ આ વીડિયોએ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ સિવિલ કોવિડ હોસ્પિટલમાં રોજના એકથી 2 દર્દીઓના મોત થઈ રહ્યા છે. દર્દીઓના સ્વજનો અવારનવાર હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપો કરી ચુક્યા છે, ત્યારે હવે ગામલોકોમાં ફેલાયેલી આ દહેશતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓને લેવા જતી આરોગ્યની ટીમ સાથે ખરાબ વર્તન કરી તેઓને ભગાડી રહ્યાં છે.