- વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી
- કપરાડા વિધાનસભાની બેઠક માટે પ્રચારનો ધમધમાટ શરૂ
- મુખ્યપ્રધાન સોમવારે નાનાપોઢા ખાતે સભા સંબોધશે
વલસાડઃ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે હાલ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોએ પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. 2 દિવસ અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કપરાડાનાં જોગવેલની મુલાકાત લીધી હતી, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમવારના રોજ નાનાપોંઢા ખાતે આવેલા જંગલ મંડળીના મેદાનમાં ચૂંટણી સભા સંબોધશે.
250થી વધુ પોલીસકર્મીઓ ફરજ પર રહેશે હાજર
આ સમગ્ર કાર્યક્રમ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમજ કોવિડ-19ના તમામ નિયમોનું પાલન સાથે યોજવામાં આવશે. જેથી પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમ માટે 5 DySp વિવિધ કક્ષાના PI, PSI પોલીસ કોન્સ્ટેબલ મળી 250થી વધુ પોલીસકર્મીઓ આ કાર્યક્રમમાં ફરજ પર હાજર રહેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારી પર સમગ્ર દેખરેખ અને નજર રાખવા માટે રવિવારે વલસાડ જિલ્લા SP તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુ દેસાઇ સભા સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તેમણે સમગ્ર કાર્યક્રમના કોનવેનું રિહર્સલ પણ કર્યું હતું.
કપરાડા વિધાનસભા વર્ષોથી કોંગ્રેસનો ગઢ
ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના પ્રમુખ કનુ દેસાઇએ જણાવ્યું કે, કપરાડા વિધાનસભા વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જંગી લીડથી વિજય મેળવશે. મહત્વનું છે કે, આગામી 3 નવેમ્બરના રોજ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. જે માટે બન્ને પક્ષો દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.