- 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં દર્દીનું મોત
- બિલ માટે દર્દીના સ્વજનની કાર ગીરવે મુકાવી દીધી
- કલેક્ટર હોસ્પિટલની કોવિડ-19ની માન્યતા રદ્દ કરી
વલસાડ: વાપીમાં કોવિડની સારવાર માટે સપ્તાહ પહેલા શરૂ થયેલી 21st સેન્ચ્યુરી હોસ્પિટલ દ્વારા દર્દીના મોત બાદ બિલ માટે દર્દીના સ્વજનની કાર ગીરવે મુકાવી દીધી હતી. આ વિવાદ બાદ વલસાડ જિલ્લા કલેક્ટર આર. આર. રાવલે આ બનાવને ગંભીરતાથી લઇ તાત્કાલિક અસરથી હોસ્પિટલની કોવિડ-19ની સારવાર અર્થે આપેલી માન્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે.
11 દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું હતું
વાપીની જાણીતી 21st સેન્ચ્યુરી હોસ્પિટલના સંચાલકો પર એક દર્દીના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે, તેેેઓ તેમના સગાને હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યાં હતા. જેની 11 દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. આ દરમિયાન તેમણે હોસ્પિટલમાં 10 હજાર દૈનિક ચાર્જ નક્કી કર્યો હતો. જે માટે 40 હજાર રૂપિયા જમા કરાવ્યા હતાં. હોસ્પિટલના તબીબોએ પ્લાઝમા અને અન્ય દવા સાથે સારવાર શરૂ કરી હતી. દર્દી 11માં દિવસે મોતને ભેટ્યા હતા. જે દરમ્યાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા બાકી બિલ ભરવા દબાણ કર્યું હતું. જોકે, તેમની પાસે માત્ર 20 હજાર હોય તે ભરીને બાકીના બિલ માટે મુદ્દત માગતા સિક્યુરિટી માટે તેમની કાર ગીરવે મુકાવી હતી. જે બાદ મૃતદેહનો કબજો સુપ્રત કરતા ચાલીને ઘરે જવું પડ્યું હતું.
આ પણ વાંચો: વેરાવળની કોવિડ સિવિલ હોસ્પિટલમાં 16 એપ્રિલથી સવાર-સાંજ બે ટાઇમ રેમડેસીવીર ઇન્જેક્શન મળશે
દર્દીની દવાના 15 હજાર જેટલો ખર્ચ હોસ્પિટલે ભોગવ્યો
જ્યારે આ સમગ્ર મામલે હોસ્પિટલના સંચાલક ડૉ. અક્ષય નાડકર્ણીએ જણાવ્યું હતું કે, દર્દીએ લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે. બીલના પૈસા ન ભરવા પડે તે માટે ખોટી અફવા ફેલાવી રહ્યા છે. હકીકતમાં દર્દીને દવાના 15 હજારનો ખર્ચ હોસ્પિટલે ભોગવ્યો છે. હાલની કોરોના મહામારીમાં જે પણ દર્દી આવે છે. તેને બિલ માટે કોઈ ફોર્સ નથી કરતા જે આપે છે તે પ્રેમથી લઈએ છીએ. આ દર્દીના સગાએ પણ બિલ ભરી જવા માટે સામેથી પોતાની કાર ગીરવે મુકાવી હતી. જેના લેખિત પેપર પણ તેમની પાસે હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલ કસૂરવાર જણાશે તો એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી થશે.
આ પણ વાંચો: વડોદરામાં 160 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 11 હજારથી વધુ બેડની વ્યવસ્થા કરાઈ
હોસ્પિટલની બેદરકારી બદલ કોવિડ માન્યતા રદ્દ
જોકે, હાલ આ સમગ્ર મામલે કલેકટરે કડક વલણ અપનાવી હોસ્પિટલની બેદરકારી બદલ કોવિડ માન્યતા રદ્દ કરી છે. અને આ માટે એક તપાસ કમિટિ રચવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કમિટિ તપાસ અહેવાલ આધારિત આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને જો હકીકતમાં હોસ્પિટલ કસૂરવાર જણાશે તો એપેડેમિક એકટ અને ડિઝાસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી કરવાનું વિચારવામાં આવશે.