વાપી: પશ્ચિમ રેલવે ડિવિઝનના IPS અધિકારી સરોજ કુમારી વાપી રેલવે સ્ટેશન પર પધાર્યા હતા. આ પ્રસંગે રેલવે સ્ટેશન પર બનતી ચોરીની ઘટનાઓ, દારૂની હેરાફેરી જેવા દુષણ પર રોક લાગે, રેલવે પોલીસ જવાનોને પોતાના અલાયદા પોલીસ સ્ટેશનની, પોલીસ કવાટર્સની સુવિધા મળે તેવી ખાતરી વાપી રેલવે સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેકશન માટે આ મુલાકાત કરવામાં આવી છે.
દારૂની હેરાફેરી રોકવા સૂચના: વાપી રેલવે સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવેલા પોલીસવડા સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તેમની આ મુલાકાત છે. વાર્ષિક ઇન્સ્પેક્શનને ધ્યાનમાં રાખીને વાપી રેલવે સ્ટેશનને આવવાનું થયું છે. જેમાં તેઓ પોલીસની તમામ કાર્યવાહીથી રૂબરૂ થયા છે. અધિકારીઓ સાથે અહીં કઈ સમસ્યા છે તે અંગે ચર્ચા કરી છે. પેસેન્જરને પડતી મુશ્કેલીઓ, ચોરીની ઘટના અને આ વિસ્તારમાંથી મોટે પાયે દારૂની હેરાફેરી થતી હોય આવી સમસ્યાઓનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચનાઓ આપી છે.
પોલીસ કર્મચારીઓની રજૂઆતો સાંભળી: રેલવે પોલીસ સારી કામગીરી બજાવી શકે, મુસાફરોની સુવિધાઓ ને ધ્યાનમાં લઇ સારું કામ પૂરું પાડી શકે તે માટે ડીવાયએસપી, સ્ટેશન અધિકારી, સીપીઆઈને જરૂરી સૂચના આપી હોવાનું જણાવી વધુમાં જણાવ્યું હતું કે વાપી સહિત વલસાડ જિલ્લાના રેલવે સ્ટેશન ઉપર ક્રાઇમની જે પેટર્ન છે તેનો અભ્યાસ કર્યો છે. પોલીસ કર્મચારીઓની રજૂઆતો તે સાંભળી છે. આગામી દિવસમાં તેના નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
સ્ટેશન પર ફરતા શંકાસ્પદ ઈસમો પર નજર રાખશે: વાપી રેલ્વે સ્ટેશન સહિત પશ્ચિમ ડિવિઝનના રેલવે સ્ટેશન ઉપર 2 પ્રકારના ક્રાઈમ વધુ જોવા મળી રહ્યા છે. જેમાં મોબાઈલ અને અન્ય સામાનની ચોરી થઈ જવી, દારૂની હેરાફેરી થવી આ દુષણ ને કારણે ક્યાંકને ક્યાંક રેલવે પોલીસ પણ બદનામ થઈ રહી છે. ત્યારે આવા દુષણ ને નાબૂદ કરવાનો તમામ પ્રયાસ કરવામાં આવશે. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટ વગર ફરતા શંકાસ્પદ ઈસમો પર નજર રાખવી, જરૂર પડ્યે તેવા વ્યક્તિઓની તલાશી લેવી તે અંગે સૂચના આપી હોવાનું પોલીસ વડાએ જણાવ્યું હતું.
નવા પોલીસ સ્ટેશનની અને જમીનની સમસ્યાનો અંત લાવવા ખાતરી: રેલવે સ્ટેશને મુસાફરોને સુરક્ષા પુરી પાડી શકાય, ગુન્હા બનતા અટકાવી શકાય એ માટે સ્ટેશન પર સમયાંતરે લોક જાગૃતિ અંગે એનાઉન્સમેન્ટ કરવામાં આવે અને ક્રાઇમના વધુમાં વધુ કેસ ડિટેક્સ થાય તેના પર ભાર મૂક્યો હતો. વાપી રેલવે સ્ટેશને રેલ્વે પોલીસ માટે પોતાનું પોલીસ સ્ટેશન નથી. થોડા વર્ષ પહેલાં અહીં પોલીસ સ્ટેશન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી જે કામ આજે પણ અધૂરું છે. જે અંગે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનનું કામ હાલમાં અટકી પડ્યું છે. જે અંગે હાઉસિંગ એન્જિનિયર સાથે વાત કરી છે. ટૂંક સમયમાં તેનું કામ ફરી શરૂ થશે તેમજ નજીકના ભવિષ્યમાં પોલીસ જવાનો માટે રહેવાના ક્વાર્ટર્સ મળે તે માટેની જમીનની વિચારણા પણ હાથ ધરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં નવા પોલીસ સ્ટેશનની અને જમીનની સમસ્યાનો અંત લાવવા ખાતરી આપી હતી.
રેલવે સ્ટેશન ખાતે ગાર્ડ ઓફ ઓનર: વાપી રેલવે સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેકશન ના ભાગ રૂપે પધારેલા પશ્ચિમ રેલવે ડિવિઝનના IPS સરોજ કુમારી નું રેલવે પોલીસે ભવ્ય સ્વાગત કર્યું હતું. રેલવે સ્ટેશન ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમજ આયોજિત લોકદરબારમાં પોલીસ કર્મચારીઓએ પોતાની સમસ્યાઓ રજૂ કરી અધિકારીના વિવિધ સૂચનો સાંભળ્યા હતાં.