GPCB દ્વારા દેશના 107 શહેરોમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. જેમાં 107 શહેરોમાં હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQIને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm 2.5ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm 10ને આદર્શ માનવામાં આવે છે. જે મુજબ વાપીમાં નવેમ્બર 20ના pm 2.5 200ug/m3 અને pm 10 300 ug/m3ને પાર કરી ગયું હતું. એવી જ રીતે 21મી નવેમ્બરે AQI 282 પર પહોંચતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને VIA વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું ફલિત થયું છે. તંત્ર દ્વારા અગમચેતીના પગલાં ભરવા બાબતે કોઈ સક્રીયતા નહીં જણાતા લોકોએ આવા બેખબર તંત્રનો અને એસોસિએશન પર કેટલો ભરોશો કરવો જોઈએ તેવા સવાલો ઉઠ્યા છે.
એક તરફ વાપીના UPL કંપનીના કર્તા હર્તા, વાપી-પારડી વિધાનસભાના ધારાસભ્ય, વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ એવા અનેક હોદ્દાઓ પર બિરાજેલા કનુ દેસાઈ પણ વારંવાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી નોંધાવી વાપીમાં લાખો વૃક્ષો વાવવાની જાહેરાત કરતા આવ્યાં છે. UPL કંપનીને વૃક્ષોથી નંદનવન બનાવ્યું છે, ત્યારે તેઓ પણ આ મામલે અધિકારીઓ અને એસોસિએશનનું પૂછાણું લેશે કે કેમ તે અંગે પણ વાપીવાસીઓ મીટ માંડીને બેઠા છે.
ઉલ્લેખનીય બને છે કે વાપીનો AQI ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી ઘણા લોકો તેની નોંધ લેતા હોય છે. એર પોલ્યુશન રીડીંગ મશીન દ્વારા દર્શાવતા ખતરનાક પ્રદૂષણના પ્રમાણથી લોકોમાં દહેશતનું વાતાવરણ સર્જાતું હોય છે. જો, મશીન ખોટા આંકડા દર્શાવતું હોય તો તેને બંધ કરી મરામત કરવી જોઈએ. પરંતુ, GPCBના અધિકારીઓ તે બાબતે ગંભીર દેખાતા નથી. જ્યારે વાપીની હવાનું પ્રદુષણ વધતા સરકાર સફાળી જાગી છે. હાલ વાપી GPCBના અધિકારીને ગાંધીનગર તેડુ મોકલી પુછાણું લેવામાં આવવાનું હોવાની વિગતો મળી છે. હવે જોવું રહ્યું કે વાપી હવા પ્રદુષણ મામલે લોકોને શુધ્ધ હવા લેવા જેવા રાખે છે, કે પછી ઔદ્યોગિક રાજકારણમાં દિલ્હીની બરોબરી કરાવે છે.