- વાપી પાલિકાની ચૂંટણીની આજે મતગણતરી
- પાલિકાના 11 વોર્ડના 109 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હતી
- કુલ 51.87 ટકા મતદાન થયું છે
વાપી: વાપીમાં નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે રવિવારે 129 બુથ પર 109 ઉમેદવારો માટે મતદાન (Vapi Municipality Election 2021) થયું હતું. કુલ 51.87 ટકા મતદાન નોંધાયા બાદ મંગળવારે વાપીની PTC કોલેજ ખાતે મતગણતરી યોજાઈ (Municipality Election Result 2021) રહી છે. 11 વોર્ડની મતગણતરી માટે કુલ 22 રાઉન્ડ છે. 150 સરકારી કર્મચારી આ મતગણતરી માં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મતગણતરીનો 9 વાગ્યે પ્રારંભ થયો હતો, જે 12 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે.
આ પણ વાંચો: ગાંધીનગર મ.ન.પા. ઈલેેક્શન: ભાજપે પોતાની નવી ટીમના 12 ખેલાડીઓ પ્રચાર માટે ઉતાર્યા
વાપીની PTC કોલેજ ખાતે મતગણતરી
વાપી પાલિકાના મતદાન (Vapi municipality Voting) અને તે બાદ હાથ ધરાયેલ મતગણતરી પ્રક્રિયામાં 150 સરકારી કર્મચારીઓ જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીં કુલ 22 રાઉન્ડમાં મતગણતરી થશે. આ ચૂંટણીમાં આ વખતે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીઓ જંગ હતો, જેમાં વાપી પાલિકાના કુલ 1,01,907 મતદારો પૈકી 52856 મતદારોએ મતદાન કર્યું હતું. 28મી નવેમ્બરે યોજાયેલ આ મતદાનમાં ભાજપે પહેલેથી 1 બેઠક બિન હરીફ મેળવી લીધી હોય 43 બેઠકો પર તેમના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના 42 ઉમેદવારો અને આપ પાર્ટીના 24 ઉમેદવારો તેમજ એક અપક્ષ ઉમેદવાર મળી કુલ 109 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હતી. વોર્ડ નં.1 અને વોર્ડ નં.7માં ભાજપે જીત મેળવી છે.
આ પણ વાંચો: ચૂંટણી જાહેર થતા રાજકોટ મનપાના બજેટની કામગીરી પર અસર
ગત વખતે ભાજપની સત્તા હતી
મંગળવારે 30મી નવેમ્બરે તમામ 109 ઉમેદવારો માટેની મતગણતરી હાથ ધરાઈ છે, ત્યારે આ વખતે મતદારોએ કોના પર કળશ ઢોળ્યો છે તે મતગણતરી બાદ જાણવા મળશે. જો કે ગત વખતની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માંથી 41 બેઠક ભાજપે મેળવી હતી, જ્યારે માત્ર 3 બેઠક કોંગ્રેસને મળી હતી, આ વખતે 44 માંથી 44 બેઠક જીતવાનું લક્ષ્ય ભાજપે સેવ્યું હતું, પરંતુ ખૂબ ઓછી ટકાવારી સાથે મતદાન થતા હવે ભાજપનું તે સપનું રોળાઈ શકે છે. કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો પણ હાલ ઉચાટમાં છે, ત્યારે મતગણતરી બાદ મતદારોએ ફરી ભાજપને કેટલી બેઠક પર જીત અપાવી તે માટે હાલ સૌ કોઈ મિટ માંડીને બેઠા છે.