વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કોચરવા ગામે દમણગંગા સિંચાઈ વિભાગની નહેરમાં વહેતા પાણી સાથે કોઈ કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવી રહ્યું હોવાની જાણ વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય અને છરવાડાના રહીશ ભાવિક પટેલને થતાં ભાવિક પટેલે કોચરવા ખાતે જઇ તેની તપાસ કરી હતી. ભાવિક પટેલના જણાવ્યાં મુજબ વાપી GIDCના 4th ફેઈઝમાં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીની પાછળના ભાગેથી મોટી માત્રામાં લાલ કલરનું પાણી વહી રહ્યું હતું. વરસાદી પાણી સાથે આ પાણી કેનાલમાં ભળતા કેનાલના પાણીનો કલર બદલાયો હતો અને તે દુષિત થતું વહી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ બીલખાડીમાં પણ કોઈ કંપનીનું બ્લ્યુ કલરનું પાણી છોડાયું હતું. જે મુદ્દે પણ ભારે આક્રોશ વ્યાપ્યો હતો. જે બાદ હવે દમણગંગા નહેરમાં પણ આવું જ લાલ કલરનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ફરીવાર લોકોમાં નફ્ફટ કંપની સંચાલકો સામે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સામે રોષ ફાટ્યો છે. ત્યારે, આ મુદ્દે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેવા પગલાં ભરે છે. તેના પર સૌ મીટ માંડીને બેઠાં છે.