વલસાડઃ કોરોના વાઇરસ ગુજરાતમાં પ્રવેશી ચુક્યો છે. જેને પગલે અનેક કેસો સામે આવી રહ્યા છે. લોકોને તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્રએ સજાગ રહેવા માટે સૂચનો કર્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ જે સ્થળ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે એ સ્થળ એટલે કે, તિથલ બીચ ઉપર પર્યટકો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
31 માર્ચ સુધી તિથલનો દરિયા કિનારો પર્યટકો માટે બંધ રહેશે અને જે માટે વિવિધ બેનરો મુખ્ય માર્ગ ઉપર લગાવી તિથલ નજીક આવનારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે. આ સાથે જ તિથલ બીચ પર પોલીસ જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે. અહીં આવનારા તમામ લોકોને બીચ બંધ હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વહીવટીતંત્રએ તિથલનો દરિયા કિનારો બંધ હોવાની જાહેરાત કર્યા બાદ લોકો સ્વયં અહીં આવવાનું ટાળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વધુ પ્રમાણમાં ન ફેલાય તે માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જે સ્થળ પર લોકોનો મેળાવડો થતો હોય, તેવા સ્થળોએથી દૂર રહેવું.