લોકસભાની સામાન્ય ચૂંટણી 2019ની વલસાડ 26 બેઠક માટે ઉમેદવારો નક્કી થતાં ચૂંટણી દરમિયાન થનાર ખર્ચ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે વિધાનસભા મતવિસ્તાર 173-ડાંગ, 177-વાંસદા, 178-ધરમપુર તથા 179- વલસાડ માટે ખર્ચ નિરીક્ષક ડો.સોમાના સી. તેમજ 180-પારડી, 181-કપરાડા અને 182-ઉમરગામ માટે ખર્ચ નિરીક્ષક બી.કે.મીનાની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સી.આર.ખરસાણે કલેકટર કચેરી ખાતે ઉમેદવારો, એજન્ટો સાથે બેઠક યોજી હતી.ખર્ચ નિરીક્ષક ડૉ.સોમાના સી. તેમજ બી.કે.મીનાએ ચૂંટણી દરમિયાન થનાર ખર્ચ અંગેની વિગતો સમયસર પુરી પાડવા, નિયત નોંધણી કરાવા તેમજ વિવિધ ખર્ચ અંગેની નોંધ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે ચૂંટણી ન્યાયી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇનને અનુસરીને ચૂંટણી પંચે નકકી કરેલા ખર્ચ મર્યાદાને ધ્યાને લઇ તેનો હિસાબ રાખી નિયત તારીખે ખર્ચનો રીપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. ચૂંટણી દરમિયાન ફલાઇંગ સ્કવોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઇંગ ટીમ તેમજ એકાઉન્ટિંગ ટીમ ઉમેદવારોના ખર્ચ ઉપર બાજ નજર રાખવામાં આવશે.
આ બેઠકમાં ઉમેદવારોને ખર્ચ અંગેની માહિતી આપવા પ્રેઝેન્ટેશન રજૂ કરી નાનામાં નાની વિગતો અને ચૂંટણી ખર્ચ સાથે તેને લગતા નિયમોની ઝીણવટભરી માહિતી પુરી પાડી હતી. રોજબરોજની માહિતીની નોંધ, વાઉચરો, બીલો, ખર્ચ કયાં નોંધવો, રોકડ વ્યવહાર જેવી બાબતોને આવરી લેવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર ડી.પી.દેસાઇ, નાયબ ચૂંટણી અધિકારી કે.આર.પટેલ સહિત ઉમેદવારો, એજન્ટો સહિત ચૂંટણી ખર્ચ નિયંત્રણના અધિકારી,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.