વલસાડ : હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં છેલ્લા 2 માસથી અનેક પાન, તમાકુ, માવા અને બીડી, ગુટકાનું વેચાણ બંધ છે. ત્યારે તેની કાળાબજારી પણ વધી ગઈ છે. જેની હેરાફેરી કરનારા પણ કોઈ પણ રીતે તેને લઈ જતા અચકાતા નથી. ત્યારે વલસાડ જિલ્લાના રૂરલ પોલીસ મથકના હદ વિસ્તારમાં આર આર સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા કટારીયા ટ્રાન્સપોર્ટની ટ્રક જી જે 18 એ ઝેડ 5812 માં શંકા જતા ઉભી રાખીને તેની અંદર તપાસ કરતા બીટા નેપથોલ (પ્લાસ્ટિક નો સફેદ પાવડર) ની આડમાં 55 થેલામાં 1815 કિલો તમાકુ મળી આવતા આર આર સેલના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ 1815 કિલો તમાકુ જેની અંદાજિત કિંમત 2,17000 આંકવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ટ્રક અમદાવાદથી વાપી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે જ વલસાડ રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાંથી આર આર સેલે ઝડપી લીધો હતો.
ટ્રક ચાલક પાસે જ્યારે તમાકુને લઇ જવા માટે વિવિધ કાગળો અને બિલ મંગાવવામાં આવ્યા તો તે રજૂ કરી શક્યો નહોતો. જેને લઈ આર આર સેલે તેને ઝડપી વધુ તપાસ માટે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી ચાલકની ધરપકડ કરી છે. તેમજ આગળની તપાસ ગ્રામ્ય પોલીસને હવાલે કરવામાં આવી છે.