વલસાડ: થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને દમણ અને દાદરા નગર હવેલી થી દારૂનો નશો કરીને ગુજરાત ફરનારા અનેક પીધેલાઓને નશો ત્યારે ઉતરી ગયો જ્યારે ગુજરાત પોલીસે ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ અને બ્રેથ એનીલાઈઝર વડે ચેક કરતા તેઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા, અનેક લોકો પોલીસને હાથે ચડી જતાં પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લોકઅપ હાઉસફુલ: આમ તો 31 ડિસેમ્બર પહેલાં જ વલસાડ પોલીસે એક્શન પ્લાન બનાવીને પેટ્રોલિંગ સહિતની સઘન કામગીરી રહી હતી, જેમાં જિલ્લાની 18 ચેકપોસ્ટ અને 14 નવા નાકા ઉભા કરી ત્યાંથી અવર-જવર કરતાં લોકોનું સઘન વાહન ચેકીંગ અને વાહન ચાલકનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક નશો કરીને ગાડી ચલાવનારા પીધેલા ઝડપાયા હતાં, અને નવા વર્ષની બાકીની ઉજવણી પોલીસ ચોકીમાં કરવાનો વારો આવ્યો હતો.
વલસાડ પોલીસ એક્શન મોડમાં: દમણથી પારડી થઈને ગુજરાતમાં પ્રવેશતા માર્ગ ઉપર આવેલ પાતળિયા ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસ દ્વારા મોડી રાત સુધી વાહન ચેકીંગ કરવામાં આવ્યું, જેમાં દમણ થી આવતી તમામ ગાડીના ચાલકોને બ્રેથ એનલાઈઝર વડે ચેક કરવામાં આવ્યાં હતાં. ડિજિટલ બ્રેથ એનલાઈઝર વડે ચેક કરતા અનેક નશો કરનારા ઝડપાયા હતાં. મોડી રાત્રે 11 વાગ્યા સુધીમાં માત્ર પારડી પોલીસ મથક માંજ નશો કરેલા 50 થી વધુ પીધેલા ઝડપાયા હતા.
575 કેસ નોંધાયા: વલસાડ જિલ્લાના ડી.એસ.પી ડો.કનકરાજ વાઘેલાના જણાવ્યા અનુસાર જિલ્લામાં રાત્રે નવ વાગ્યાના આંકડા મુજબ પીધેલા 307 કેસ, દારૂના કબ્જાના 129 કેસ, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 139 કેસ મળીને કુલ 575 કેસ નોંધાયા હતા, અને રાત્રે પણ ચેકીંગ સતત કરવામાં આવી રહ્યું હતું. પકડાયેલા લોકોનું મેડિકલ ટેસ્ટ કરવા માટે વધુ સમય નીકળી જતો હોય 31 ડિસેમ્બરની રાત્રે સ્પેશિયલ મેડિકલની ટીમ સરકારી હોસ્પિટલથી જ બોલાવામાં આવી હતી જેથી નશો કરી પકડાયેલા લોકોનું સ્થળ ઉપર જ મેડિકલ થઈ જાય અને વધુ સમય ન બગડે.