વલસાડ : અંતરિયાળ વિસ્તારમાં અને દુર્ગમ ક્ષેત્ર એવા પહાડી વિસ્તારમાં જ્યાં મનુષ્ય પહોંચી ન શકે એવા ક્ષેત્રમાં વૃક્ષારોપણ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ત્યારે વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. વૃક્ષો અને આયુર્વેદિક ઔષધીઓનું વાવેતર કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કપરાડા વિસ્તારના 35 હેક્ટર જેટલા વિસ્તારમાં ડ્રોનની મદદથી સીડ્સ બોલ નાખીને વાવેતર કરવામાં આવ્યું હતું.
ડ્રોનથી વૃક્ષારોપણ : વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી હતી. સતત વરસી રહેલા વરસાદમાં વૃક્ષારોપણ કરવું ફાયદાકારક છે. ત્યારે દુર્ગમ વિસ્તારના ટેકરી અને ડુંગરાળ ક્ષેત્ર એવા કપરાડા તાલુકા રેંજમાં આવતા હુડા, સુથારપાડા, ફળી, માતૃનીયા, ગવટકા જેવા ગામોમાં ડ્રોનના ઉપયોગ વડે વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના થકી લુપ્ત થતા જતા વૃક્ષોને પણ બચાવી શકાશે. જંગલોમાં જ્યાં મનુષ્ય ના પહોચી શકે ત્યાં વૃક્ષો કુદરતી રીતે જ ઉગી નીકળે તે માટે આ ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે.
કપરાડા તાલુકામાં અનેક સ્થળે અત્યાધુનિક ટેક્નોલોજી વડે પ્રથમ વાર સીડ્સ બોલ નાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દુર્ગમ સ્થળો જ્યાં મનુષ્ય પહોંચી શકે એમ નથી ત્યાં આ ટેકનોલોજી મદદરૂપ થાય છે. આવા ક્ષેત્રમાં ડ્રોન ઉડાવી તેના માધ્યમથી સીડ્સ બોલનો છટકાવ કરી કુદરતી રીતે વૃક્ષો ઉગે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા છે કે એનું ઉત્તમ પરિણામ જંગલ વિભાગને મળશે.-- ઋષિરાજ પુવાર (DFO, વલસાડ દક્ષિણ વન વિભાગ)
35 હેક્ટરમાં વાવેતર : અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, દુર્ગમ સ્થળ જ્યાં અગાઉ જઈ શકાતું નહોતું. તેવા ક્ષેત્રમાં વાવેતર કરવા પ્રયાસ કરાયો છે. જેમાં લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે. આમ વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા દુર્ગમ સ્થળે વાવેતર કરવા અત્યાધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે. આમ ઉત્તમ અને અનોખા પ્રયાસ દ્વારા જંગલ વિભાગ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.