વાપી : વાપીમાં ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે શ્રીજી ઇવેન્ટ દ્વારા શરદપુનમની ઉજવણી કરવામાં આવી હતી. આ રાસ ગરબાના આયોજનમાં આયોજક સમીર પટેલ દ્વારા બહેરા-મૂંગા બાળકોએ આમંત્રિત કર્યા હતાં. તેમની સાથે વાપીના ખેલૈયાઓ ગરબે રમ્યા હતાં. તેમજ જાણીતી ટીવી સિરિયલ અભિનેત્રી માલિની કપૂર પણ ખાસ ઉપસ્થિત રહી હતી. જેની સાથે સેલ્ફી લેવા ખેલૈયાઓએ પડાપડી કરી હતી. બહેરા-મૂંગા બાળકોના રાસ ગરબાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
તાલીમબદ્ધ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા : શરદ પૂનમના દિવસે શીતળ ચાંદની રાતમાં વિવિધ સ્થળોએ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપેઆ રાસ ગરબાના આયોજક સમીર પટેલ અને ઇવેન્ટ એસોસિએટ મુકેશ જૈન દ્વારા બહેરા-મૂંગા બાળકોને આમંત્રિત કર્યા હતા. વાપીની મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાના આ બાળકોએ કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ વિના સંગીતના તાલે ગરબે રમ્યા હતાં. જે દ્રશ્યો જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતાં. શરદપુનમના ગરબાની આ ખાસ ઇવેન્ટમાં વાપી ડીવાયએસપી બી. એન. દવે, ટીવી એક્ટ્રેસ માલિની કપૂર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે મનોવિકાસ ચેરીટેબલ સંસ્થાના વિકાસ માટે 51 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ બાળકો બહેરા મૂંગા હતા. છતાં પણ પોતાની અનોખી કોઠા સૂઝને કારણે સંગીતના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ વગર તાલીમબદ્ધ ખેલૈયાઓ સાતબે ગરબે રમતા આ બાળકોને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ સાથે સમાજ સેવાની ભાવનાથી તેમના ટ્રસ્ટને 51 હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે...સમીર પટેલ (રાસ ગરબા આયોજક)
બહેરામૂંગા બાળકો ટ્રસ્ટમાં અભ્યાસ કરે છે : મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્ટેલમાં રહી 70 બાળકો અભ્યાસ કરે છે. એ સિવાયના બાળકો વાપીના આસપાસના વિસ્તારમાંથી આવે છે. તમામ બાળકો બહેરામૂંગા અને મેન્ટલી રીટાયર્ડ છે. જેઓને પરંપરાગત વસ્ત્રોની ભેટ આપી ગરબે રમાડ્યા હતાં. જે તેમના માટે ખૂબ ખુશીનો પ્રસંગ બન્યો હતો. જે ફંડ તેમને આપવામાં આવ્યું છે તે ફંડને FDમાં મુકશે અથવા તો બાળકોના જમવાના ખર્ચપેટે ઉપયોગમાં લેવામાં આવશે.
વાપીવાસીઓનો સહકાર : શરદ પૂનમના રાસ ગરબાના આયોજન અંગે વધુમાં શ્રીજી ઇવેન્ટના આયોજક સમીર પટેલે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી નવરાત્રી પર્વમાં રાસ ગરબાનું આયોજન કરે છે. નવરાત્રીમાં કમાવાની ભાવનાથી નહીં પણ સામાજિક ભાવના કેળવાઈ માતાજીની આરાધના થાય તે ઉદ્દેશ્યથી આ આયોજન કરતા આવ્યા છે. જેમાં ખોટ ખાઈને પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમના આ આયોજનમાં વાપીવાસીઓનો ખૂબ જ સારો સહકાર મળતો રહે છે. જો કે, અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલના ટ્રેન્ડમાં નવરાત્રી સાથે ડાયરાનું કે ફૂડ સ્ટોલ જેવા આયોજન કરી માતાજીની આરાધનાના આ પર્વને કેટલાક આયોજકોએ બિઝનેસ પર્વ બનાવી દીધું છે. ત્યારે તેવી ભાવનાથી પર રહી તેમની સંસ્થાએ સેવાના કાર્ય સાથે આ રાસ ગરબાનું આયોજન કર્યું છે.
અભિનેત્રી સાથે ફોટો પડાવવા પડાપડી : આ રાસ ગરબામાં અભિનેત્રી માલિની કપૂર ખાસ ઉપસ્થિત રહ્યા હોઇ આયોજકો દ્વારા તેઓને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. અભિનેત્રી માલિની કપૂર ખેલૈયાઓ સાથે ગરબે ઘુમ્યા હતાં. અભિનેત્રી સાથે ફોટો પડાવવા માટે લોકોએ પડાપડી કરી હતી. તો, પોલીસ જવાનોએ બહેરા-મૂંગા બાળકો સાથે ફોટા પડાવ્યા હતાં. શરદપુનમના રાસ ગરબાના આ આયોજનમાં ખેલૈયાઓનાં પોશાક, ગરબા સ્ટાઈલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રોકડ રકમ સહિતની ગિફ્ટ એનાયત કરવામાં આવી હતી.