વલસાડ : ઉત્તરાયણ પર્વ દરમ્યાન વાપી તાલુકામાં કરુણા અભિયાન 2024 અંતર્ગત 13, 14 અને 15 જાન્યુઆરી એમ 3 દિવસ સુધી શ્રી વર્ધમાન સેવા મંડળ - વાપી દ્વારા મકરસંક્રાંતિ ઉત્સવ દરમિયાન પતંગ ના દોરાથી ઘાયલ થયેલ 50 થી વધુ પક્ષીઓને સારવાર આપી જીવનદાન અપાયું છે. 3 દિવસમાં 5 પક્ષીઓને સમયસર સારવાર ન મળતા મોતને ભેટ્યા હતાં.
ટ્રસ્ટના સહયોગથી કેમ્પ : દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી તાલુકામાં મકરસંક્રાંતિ ઉત્સવ દરમિયાન ઘાયલ થતાં પશુ પક્ષીઓને બચાવવા માટે શ્રી વર્ધમાન સેવા મંડળ - વાપી દ્વારા વનવિભાગના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક પક્ષી બચાવ કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું હતું, જેમાં પતંગના દોરાથી ઘાયલ થતાં પશુ પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી, સારવાર માટે પક્ષીઓના નિષ્ણાત ડોક્ટર જાલેન્દ્ર કે મહાલા દ્વારા સારવાર પુરી પાડવામાં આવી હતી. તથા ટીંકું મેમોરિયલ ટ્રસ્ટ, વાપી એનિમલ રેસ્ક્યુ અને શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું,
કનુ દેસાઇએ મુલાકાત લીધી : આ પક્ષી સારવાર કેમ્પની ગુજરાત રાજ્યના ફાઇનાન્સ અને એનર્જી મંત્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે વર્ધમાન સેવા મંડળની કામગીરીને વધાવી હતી, આ વર્ષે 2 ઘુવડ અને અન્ય પક્ષીઓ મળી કુલ 42 પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું. જો કે, 5 જેટલા પક્ષીઓ સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ પામ્યા હતાં
ગત વર્ષની સરખામણીએ ઘટાડો : દર વર્ષની જેમ ઘાયલ પશુ પક્ષીઓના આંકડામાં આ વર્ષે ઘટાડો નોંધાતા જીવદયા પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. આવતા વર્ષે પણ આ આંકડાઓ ઓછા થાય એવી આશા રાખી હતી. લોકોને તહેવાર ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવો જોઇએ. પરંતુ નિર્દોષ પશુપક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ તેવી અપીલ કરી હતી.
મૃતક પક્ષીઓનો આંકડો 15 થી 20 જેટલો : ઉલ્લેખનીય છે કે સંસ્થાઓ દ્વારા 15 વર્ષથી આ કેમ્પ થાય છે.. આ વર્ષે યોજેલા કેમ્પમાં 3 દિવસ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કબૂતર, બગલા, ઘુવડ, કાબર જેવા પંખીઓ તેમજ સાપ અને ખિસકોલીને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને કેમ્પમાં લાવી મેડિકલ સારવાર, ઓપરેશન કરી દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. પંખીઓને ઉડવા લાયક થતા નથી ત્યાં સુધી તબીબી સેન્ટર હોમ પર રાખી સામાન્ય સારવાર અપાય છે. ગત વર્ષે 2 દિવસમાં જ 40 જેટલા ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જ્યારે એ પહેલાના વર્ષોમાં આંકડો 60ને પાર રહેતો હતો. જેમાં મૃતક પક્ષીઓનો આંકડો 15 થી 20 જેટલો રહેતો હતો.